ગાંધીધામ, તા. 9 : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ
નજીક વીજતંત્રના સ્ટોરરૂમમાંથી રૂા. 1,25,760ના સામાન ચોરી અંગે પોલીસે બે શખ્સને પકડી પાડયા હતા તેમની પાસેથી
રૂા. 21,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
શહેરના ગુ.હા. બોર્ડ નજીક આવેલા વીજતંત્રના વેરહાઉસના સ્ટોર રૂમમાં આ બનાવ બન્યો હતો.
બારીના કાચ ખોલી તેમાંથી રૂા. 1,25,760ના
192 નંગ એ.બી. સ્વીચ બોર્ડની તફડંચી
કરવામાં આવી હતી. આ બનાવ અંગે દીપ્તિબેન પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ
અંગે પોલીસે તપાસ હાથ ધરીને કિડાણાના મહેબૂબ સુલેમાન મથડાને પકડી પાડયો હતો. તેની પૂછપરછ
કરાતાં તેણે આ ચોરીનો માલ ગાંધીધામ ખોડિયારનગરના કાના રામુ વડેચાને વેચ્યો હોવાનું
બહાર આવ્યું હતું. દરમ્યાન માલ ખરીદનારા આ શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી
દરમ્યાન દાઉદ ઉર્ફે દાવલો ઈબ્રાહીમ કટિયા નામનો શખ્સ હાથમાં આવ્યો નથી. તેને ઝડપી પાડવા
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા બે શખ્સ પાસેથી જુદા-જુદા આકારની લોખંડની
252 પટ્ટી, કોપરની 66 પટ્ટી, એલ્યુમિનિયમની 64 અને કોપરની અન્ય 32 પટ્ટી એમ કુલ રૂા. 21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, અન્ય માલ ક્યાં છે, તે
સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.