• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સરહદ ઉપર આર.ઇ. પાર્કમાં કામ કરવા 13 મજૂરના બોગસ આધારકાર્ડ બન્યા !

ભુજ, તા. 30 : કચ્છની રણ સીમા ઉપર રિન્યુએબલ એનર્જી પાર્કના પગરણ થઇ રહ્યા હતા, ત્યારે જ આ ક્ષેત્રમાં સીમા સુરક્ષા સાથે કોઇ?બાંધછોડ ન થાય તે જોવા ખાસ દિશાનિર્દેશ અપાયા હતા. ત્યારે આ પાર્કમાં કામ કરવા અર્થે 13 મજૂરના બોગસ આધારકાર્ડ બન્યાંનો બનાવ પ્રકાશમાં આવતાં આ મુદ્દો ગંભીર બન્યો છે. ખાવડા સરહદે અદાણી ગ્રુપ દ્વારા આર.ઇ. પાર્કના નિર્માણની કામગીરીના આઇ.ડી.ટી.ના કામ માટે હરિયાણાના ગુડગાંવની અવિન્યા બિલ્ડર્સ પ્રા. લિ. કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપનીના માલિક અભિષેકસિંગ અવધબિહારી મંડલ (રહે. ગુડગાંવ)એ આ કામ માટે 20 મજૂર ગુડગાંવથી બોલાવ્યા હતા. આ 20 પૈકી 13 પાસે આધારકાર્ડ ન હોઇ આરોપી અભિષેક આ મજૂરોના ફોટા પાડી અન્ય સાચા વ્યક્તિઓના આધારકાર્ડના પ્લેટફોર્મનો ઉપયોગ કરી કોમ્પ્યુટરથી નવા બોગસ આધારકાર્ડ બનાવી ખાવડાના લુડિયા ગામમાં રહેતા ભાગીદાર મોનુકુમાર ઠાકુરને વોટ્સએપ પર પી.ડી.એફ. ફાઇલમાં મોકલી આપ્યાં હતાં. આરોપી મોનુએ તેના આધારે કલર પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરી આ 13 મજૂરના આધારકાર્ડ કંપનીના કર્મચારી અજયકુમાર રામસુરતસિંહ બ્રાહ્મણને આપ્યા હતા. આમ, સહઆરોપી એવા અજયકુમારે આ બોગસ આધારકાર્ડનાં આધારે આર.ઇ. પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટ કઢાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઓનલાઇન વેરિફિકેશનમાં આ આધારકાર્ડ બોગસ હોવાનું સામે આવતાં પરમિટ નીકળી ન હતી. આથી આ મજૂરોને ભુજ બાજુ મજૂરીકામ અર્થે રવાના કરવાની તૈયારી કરી હતી. આ વચ્ચે અમુક મજૂરોને બોગસ આધારકાર્ડની વિગતો ધ્યાને આવતાં ખાવડા પોલીસનો સંપર્ક કરતાં આ આધારકાર્ડની ચકાસણી થતાં બોગસ હોવાનું ખુલતાં ખાવડા પોલીસ ફરિયાદી બની ત્રણે આરોપી અભિષેક, મોનુ અને અજયકુમાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચીને બોગસ દસ્તાવેજો ઊભા કરવા બદલ તથા આઇ.ટી. એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang