ગાંધીધામ, તા. 8 : ભચાઉ
તાલુકાના તોરણિયા ગામમાં પોતાનાં ઘરે ગાંજાની ખેતી કરતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો.
તેના ઘરના આંગણામાંથી ગાંજાના 100 વૃક્ષ અને સૂકવેલ બે કિલો 100 ગ્રામ
એમ કુલ રૂા. 4,21,000નો
ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તોરણિયા ગામના કોળીવાસમાં રહેનાર રણછોડ મોની કોળી (રાકાણી)
નામના શખ્સે પોતાનાં મકાનના ફળિયા-આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની અને
તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ અને સચોટ બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે ગઇકાલે સાંજે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગામમાં કોળીવાસમાં
છાપો મારતાં આરોપી રણછોડ કોળી પોતાનાં ઘરે ખાટલા પર હાજર મળી આવ્યો હતો. તેને પકડી
સાથે રાખીને ઘરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના ઘરના આંગણામાં એક ખૂણામાં પ્લાસ્ટિકના
થેલામાં સૂકવેલ ભીનો ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ થેલામાંથી બે કિલો 100 ગ્રામ
વનસ્પતિજન્ય પાંદડા સાથેનો ગાંજાનો જથ્થો હતો. બાદમાં ઘરના આંગણામાં તપાસ કરતાં નાના-મોટા
100 જેટલાં
વૃક્ષનું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી આ સૂકવેલ
ગાંજો તથા વૃક્ષનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આ વસ્તુ ગાંજો જ હોવાનું પ્રાથમિક
પૃથકકરણમાં બહાર આવ્યું હતું. દરમ્યાન આ જગ્યાએથી નાના-મોટો 100 વૃક્ષ
ઉખાડી ત્યાંથી માટીના નમૂના લેવામાં આવ્યા હતા. મળી આવેલા વૃક્ષોનું 40 કિલો
વજન થયું હતું તેમજ સૂકવેલ ગાંજો બે કિલો 100 ગ્રામ મળ્યો હતો. આ શખ્સ પાસેથી
રૂા. 4,21,000નો
ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો. તેણે આ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો તે અંગે કાંઇ માહિતી
ન આપતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વીજરેષામાંથી સીધુ જોડાણ મેળવેલ આ શખ્સ પાસેથી
એક મોબાઇલ પણ જપ્ત કરાયો હતો. તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. આ કાર્યવાહીમાં
સામખિયાળી પી.આઇ. બી. કે. ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.