ગાંધીધામ, તા. 5 : તાલુકાના અંતરજાળમાં ફૂલ તારવવા જનાર શંભુ
હીરા મરંડ (ઉ.વ. 37) નામનો યુવાન અકસ્માતે પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હતું.
બીજીબાજુ ગાંધીધામમાં અગાઉ એસિડ પી લેનાર ઝાલા મદન વણકર (ઉ.વ. 35) નામના યુવાને સારવાર
દરમ્યાન દમ તોડી દીધો હતો. અંતરજાળમાં મરંડ ફળિયામાં રહેનાર શંભુ મરંડ નામના યુવાનનું
ગઇકાલે મોત થયું હતું. ગામમાં આવેલા પાતાળિયા હનુમાન મંદિર પાસે આવેલા ડેમ બાજુ આ યુવાન
ગયો હતો. આ યુવાન ફૂલ તારવા જઇ રહ્યો હતો. દરમ્યાન અકસ્માતે તેનો પગ લપસી જતાં તે પાણીમાં
ડૂબી ગયો હતો. તેને બહાર કાઢી રામબાગ હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને
મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી હતી. બીજીબાજુ ગાંધીધામના સુંદરપુરી
ઝાલાવાડી વિસ્તારમાં રહેનાર ઝાલા મદન વણકર નામનો યુવાન ગત તા. 16/8ના પોતાના ઘરે હતો.
દરમ્યાન બાથરૂમમાં રાખેલ એસિડ પ્રવાહી પી લેતાં તેની અસર થતાં તેને સારવાર અર્થે રામબાગ
હોસ્પિટલ લઇ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જિલ્લા હોસ્પિટલ લઇ જવાયો હતો
જ્યાં આ યુવાને સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની
તપાસ હાથ ધરી છે. બે યુવાનોના મોતના પગલે આ સંકુલમાં ગમગીની પ્રસરી હતી.