• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ગાંધીધામના સતત ધમધમતા ટાગોર રોડ ઉપર વધુ એક યુવતી આખલા હડફેટે ચડી

ગાંધીધામ, તા. 26 : શહેરના સુંદરપુરીમાં એક વૃદ્ધને આખલાએ હડફેટમાં લેતાં તેમને જીવ ખોવાનો વારો આવ્યો હતો. બાદમાં પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને આખલા પકડવાની કામગીરી ચાલુ કરી હતી તેવામાં ગમે તે કારણે આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આજે સાંજે શહેરના ધમધમતા ટાગોર માર્ગ ઉપર ઇફકોની સામે બે આખલાનાં યુદ્ધમાં મોપેડચાલક એક યુવતીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. શહેરના સુંદરપુરી વિસ્તારમાં આખલા હડફેટે એક વૃદ્ધને જીવ ખોવાનો વારો આવ્યો હતો, તો બીજા જ દિવસે અન્ય એક આધેડને આખલાએ હડફેટે લેતાં તેમને હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી હતી. આ વચ્ચે પાલિકા સફાળી જાગી હતી અને આખલા પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી જે એકાદ-બે દિવસ ચાલુ રહ્યા બાદ જે હાલમાં આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે, તેવામાં શહેરના સતત ધમધમતા રહેતા ટાગોર માર્ગ ઉપર આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. અહીં ઇફકોની આસપાસ ઊભા રહેતા લારી, ગલ્લાવાળા પાસે આખલા ખાવાની લ્હાયામાં આંટાફેરા કરતા રહેતા હોય છે. આજે અહીં સાતથી આઠ આખલા એકઠા થઇ ગયા હતા અને તેમની વચ્ચે યુદ્ધ ખેલાયો હતો જેના કારણે આ માર્ગ પરથી મોપેડ લઇને જઇ રહેલી એક યુવતી આખલાઓના આ યુદ્ધની હડફેટે ચડી હતી જેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. આ માર્ગ ઉપર રખડતા આખલા કોઇના વહાલસોયાનો જીવ લે તે પહેલાં પાલિકા તંત્ર પોતાની ઊંઘ ઊડાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. હાલમાં આખલા પકડવાની કામગીરી બંધ હોવાનું અને એકાદ-બે દિવસમાં તે કામગીરી ચાલુ કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang