• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ગાંધીધામ : ઘરની બહાર બેસવા મુદ્દે યુવાનને સળગાવ્યો

ગાંધીધામ, તા. 24 : શહેરના ગણેશનગર નજીક આવેલા સત્તર હજાર ઝૂંપડા રોટરી નગર વિસ્તારમાં ઘરની બહાર બેસવા મુદ્દે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ મહિલા સહિત ચાર લોકોએ કરશન દાદુ મહેશ્વરી નામની વ્યક્તિ પર ડિઝલ છાંટી તેને સળગાવી નાખ્યો હતો. ગંભીર દાઝેલા આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. શહેરના ગણેશ નગર વિસ્તારમાં રહેતા હીરા દાદુભાઈ મહેશ્વરીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધ એવા આ ફરિયાદી ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે રોટરીનગરના રમેશ મહેશ્વરી ત્યાં આવી તમારો નાનોભાઈ કરશન શરીરે સળગી ગયેલ છે તેવું જણાવતાં ફરિયાદી તાબડતોબ ત્યાં દોડી ગયા હતા. રોટરી નગર સત્તર હજાર ઝૂંપડા વિસ્તારમાં જતાં કરશન આખા શરીરે દાઝી ગયેલ હાલતમાં રોડ ઉપર હોવાનું નજરે પડયો હતો. 108 એમ્બ્યુલન્સમાં તેને પ્રથમ રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો ત્યાં સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે લઈ જવાનું તબીબે કહેતાં આ યુવાનને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મરણોન્મુખ નિવેદન બાદ ભોગ બનનારે ફરિયાદીને વાત કરી હતી જેમાં રોટરી નગર સતર હજાર ઝૂંપડા વિસ્તારમાં ઘરની બહાર બેસવા અંગે અગાઉ તેનો ઝઘડો થયો હતો જેનું મનદુ:ખ રાખી પ્રેમિલાબેન નરેશ, અજુબેન હરેશ, મંજુબેન લહેરી તથા એક મારવાડી પુરૂષ આ કરશન પાસે આવ્યા હતા અને તેને પકડી માર મારવામાં આવ્યો હતો. કરશન ઘરના બાથરૂમમાં દોટ મુકતાં આરોપીઓએ તેના ઉપર ડીઝલ છાંટી તેને સળગાવી નાખ્યો હતો. તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા આ યુવાને આજે સવારે સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાનો બનાવ બહાર આવતાં પોલીસના દોડદામ થઈ પડી હતી અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘરની બહાર બેસવા મુદ્દે ડીઝલ છાંટી પોતાની માતા સાથે રહી છુટક મજુરી કરતા યુવાનને સળગાવી હત્યાના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd