• ગુરુવાર, 01 જૂન, 2023

વાહન ચોરીને તેનું કટિંગ કરી ભંગારમાં વેચતો શખ્સ દબોચાયો

ભુજ, તા. 25 : વાહનની ચોરી કરીને તેનું કટિંગ કરી ભંગાર બનાવી દીધા બાદ આ ચોરાઉ માલ ભંગારમાં વેચતા આરોપી ઇકબાલ અનવર માંજોઠી (રહે ભુજ)ને માંડવીમાં તેને આ કામ માટે રાખેલા એક મકાનના કમ્પાઉન્ડમાંથી એલસીબીએ ઝડપી ભુજ, નખત્રાણા અને માંડવીની વાહન ચોરી તથા ભુજની ઘરફોડીનો ભેદ ઉકેલી લીધો છે. એલસીબીની ટીમ માંડવી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ભુજમાંથી છોટા હાથી (મદનીયું) લોડિંગ વાહન ચોરી અને તેમાં સંડોવાયેલ ઇકબાલ અનવર માંજોઠી (રહે ભુજ)એ માંડવીમાં ભૂકંપનગરીમાં એક મકાન ભાડે રાખી તેના કમ્પાઉન્ડમાં વાહન કટિંગ કરી ભંગાર રાખ્યો છે અને આ ભંગાર વેચવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે એલસીબીએ ત્યાંથી ઇકબાલ માંજોઠીને વાહનોના ભંગાર તથા એક ગેસ સિલિન્ડર સાથે ઝડપી તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતા તેણે ભુજના છોટા હાથી, નખત્રાણામાંથી છકડો રિક્ષા, માંડવીમાંથી વાહન ચોરી અને ભુજમાં રેલવે કોલોનીમાંથી એક ગેસ સિલિન્ડરની ચોરી કબૂલી છે. 51 હજારના ભંગારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી આગળની તપાસ અર્થે માંડવી પોલીસને સોંપાયાનું એલસીબીએ યાદીમાં જણાવ્યું છે.