ભુજ/ગાંધીધામ, તા. 5 : કચ્છમાં દારૂની બદી બેફામ બની છે. આ વચ્ચે ગઇકાલે
જ ભચાઉ પાસે 1.85 કરોડનો શરાબ ઝડપાયો હતો. સાથોસાથ અન્ય ત્રણ
દરોડોમાં પણ 24 લાખથી વધુનો શરાબ ઝડપાયાના બીજા દિવસે ખાનાયમાંથી
સ્કોર્પિયો કાર સાથે 2.08 લાખનો
શરાબ પશ્ચિમ કચ્છની એલ.સી.બી.એ ઝડપી પાડયો છે. આ ઉપરાંત અંજાર પોલીસે પણ 1.60 લાખનો દારૂ વરસામેડીના બાગેશ્રીનગરનાં મકાનમાંથી
જપ્ત કર્યો છે. આમ આ બે દરોડામાં પોલીસે 3.68 લાખનો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ દરોડા દરમ્યાન આરોપીઓ હાજર મળ્યા ન હતા. ગઇકાલે એલ.સી.બી.ની
ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનાય પહોંચતાં
બાતમી મળી હતી કે, રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢાએ તેના રહેણાક
મકાનના આંગણામાં પડેલી સ્કોર્પિયો ગાડીમાં શરાબનો જથ્થો મગાવી વેચાણ અર્થે રાખ્યો છે.
આથી પંચોને સાથે રાખી બાતમીવાળાં સ્થળે દરોડો પાડતાં એક સ્કોર્પિયો ગાડી નં. જી.જે.
12 ડી.એસ. 5959વાળી ઊભી હતી, જેમાં કોઇ હાજર નહોતું અને
ગાડીમાં ચાવી લાગેલી હતી. ગાડીનો દરવાજો ખોલી જોતાં તેમાં શરાબના બોક્સ જોવા મળ્યા
હતા. આ દરોડામાં એલ.સી.બી.ની ટીમે શરાબની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ 564 જેની કિંમત રૂા. 2,08,000 તથા બિયરના ટીન નંગ 312 જેની કિં. રૂા. 56,160 એમ કુલે રૂા. 2,14,160નો શરાબનો જથ્થો તથા 10 લાખ રૂપિયાની સ્કોર્પિયો ગાડીનો મુદ્દામાલ કબજે
લીધો હતો. આ કામના આરોપી રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા તથા કાનુભા સતીદાનસિંહ સોઢા
(રહે. બન્ને ખાનાય,
તા. અબડાસા) હાજર મળ્યા ન હતા. બન્ને વિરુદ્ધ નલિયા પોલીસ મથકે ગુનો
દાખલ કરાવી મુદ્દામાલ સોંપાયો હતો. બીજી તરફ વરસામેડીના બાગેશ્રીનગર-1 (ઓમનગર)માં કાનજી ઉર્ફે કાના વેલજીભાઇ બઢિયાના
મકાન નં. 43-એમાં શરાબનો જથ્થો હોવાની બાતમીનાં પગલે અંજાર
પોલીસે દરોડો પાડી અહીંથી શરાબની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી 167 બોટલ તથા 181 બિયરના ટીન એમ કુલે રૂા. 1,60,840નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન
આરોપી કાનજી હાજર મળ્યો ન હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં
છે.