• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

કચ્છમાં દારૂનાં દૂષણને ડામવા મહિલાઓ રણચંડી બની

ગાંધીધામ, તા. 25 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં દારૂના દૂષણથી અનેક પરિવારો પાયમાલ બની ગયા છે. ત્યારે આ અસામાજીક બદીને નાબૂદ કરવાની માંગ સાથે ભુજમાં કચ્છ જિલ્લા મહિલા સંગઠન દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંગઠનના કાન્તાબેન પી. દેવરીયાએ રાજ્યપાલને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કચ્છના પ્રવેશદ્વાર આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથેસાથે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છમાં અનેક સ્થળોએ ખુલ્લેઆમ આ વેપલો ધમધમે છે. જેના લીધે હજારોની સંખ્યામાં પરિવારો બરબાદ થઈ ગયા છે. તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. દારૂબંધી અંગે રાજ્ય સરકાર દ્વારા જરૂર પડયે કાયદામાં સુધારા વધારા કરવામાં આવે તેવી માંગ પત્રમાં કરાઈ હતી. દારૂના દૂષણના કારણે અસંખ્ય મહિલાઓ વિધવા બની છે અને બાળકો નિરાધાર બની ગયા છે. જેથી સરહદી આ જિલ્લામાં દારૂના દૂષણને અટકાવવા બુટલેગરો તથા નાના-મોટા ધંધાર્થીઓ અને દારૂના હાટડા બંધ કરાવવામાં આવે તે જરૂરી છે. ત્યારે આ અંગે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા મહિલા સંગઠન દ્વારા ભુજમાં રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang