• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ખેડૂતોની વાત સાંભળજો...

ગુજરાત સરકારે કચ્છ સહિત ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત ઘોષિત કર્યા એની કરેલી જાહેરાત અનુસાર ખેતર દીઠ રૂા. 8500 સહાય ચૂકવાશે અને તેમાં પણ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા રખાઈ છે. મોંઘવારી તથા ખેતી માટે થતા ખર્ચ સામે આ રકમ મામૂલી છે તેવું કૃષિકર્મીઓ માને છે. ચાર જ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ વરસાદની ઘટ અન્ય જિલ્લાઓમાં પણ છે. પાક ત્યાં પણ નિષ્ફળ ગયો છે, પાણીની તંગી છે, તેથી અછત કે દુષ્કાળ જાહેર કરવાની માંગ ત્યાંથી પણ ઊઠી છે. પશુઓ માટે પ્રતિ દિવસ રૂા. 80ની સહાય માત્ર બે મહિના પૂરતી જ નક્કી કરવામાં આવી છે. પશુપાલકો કહે છે કે, ખાણદાણ અને ઘાસચારાના વાસ્તવિક ખર્ચ સામે આ રકમ અપૂરતી છે. આ વખતે વરસાદનું ચિત્ર જોતાં ખેડૂતોની આ વાત અવગણી શકાય તેમ નથી. વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ, ખેડૂત આગેવાનો માંગ કરે તો તેને રાજકીય કહી શકાય, પરંતુ સાધારણ ખેડૂતને પણ મુશ્કેલી છે. સોમવાર સાંજથી સતત એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે પ્રતિ હેક્ટર રૂા. 22000-23000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે, તો પછી આ દુષ્કાળમાં રૂા. 8500 શા માટે ? રાજ્યભરમાં જ્યાં-જ્યાં ઓછો વરસાદ છે, ત્યાંથી આ મુદ્દે માગણી ઊઠી છે. કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ વધારે ગંભીર છે તો અન્ય જિલ્લાઓમાં કદાચ વરસાદના આંકડા એવા છે જેને લીધે ત્યાં દુષ્કાળ જાહેર થયો નથી, પરંતુ હાલત તો ત્યાં પણ કફોડી છે. આ વર્ષે યુદ્ધના સંજોગોને કારણે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો છે, મોંઘવારી છે અને તેમાં ખેડૂતો ઉપર આ સંકટ આવ્યું છે. ગુજરાત સરકારે હંમેશાં ખેડૂતોનું હિત જોયું છે, તે વાત અસ્થાને નથી, પરંતુ આજના સંજોગ અલગ છે. ભારતના કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ઓછા વરસાદને કારણે દુષ્કાળ છે. તેલંગાણામાં 51 ટકાથી ઓછો વરસાદ થયો છે. કર્ણાટકમાં 226 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા છે, કેન્દ્ર સરકારના એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધોરણ મુજબ ગુજરાત સરકારે પણ સહાય જાહેર કરી છે, પરંતુ અન્ય રાજ્યોમાં તે ભંડોળ ઉપરાંત સરકારે પોતે વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્રના સંભાજીનગર, લાતૂરમાં ખરીફ પાક મોટા ભાગે સુકાયો છે. ભૂગર્ભ જળના તળિયા દેખાઈ ગયા છે. કર્ણાટકના 20થી વધારે જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના અંતરિયાળ વિસ્તારમાં જળાશયો ખાલી છે અને ભૂગર્ભ જળના સ્તર નીચે ઊતર્યા છે. માત્ર એક પાક નિષ્ફળ જશે એટલું જ નહીં, પરંતુ ખેડૂતોએ રવીપાક માટે પણ આ રાજ્યોમાં આર્થિક વ્યવસ્થા કરવી પડશે. ગુજરાતમાં આખા રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ નથી તેથી સ્વભાવિક રીતે આ પેકેજ મર્યાદિત વિસ્તારમાં હોય એટલે અન્ય રાજ્યો સાથેની તે સરખામણી કરવાનો પ્રશ્ન નથી, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકારે બિનપિયત પાક માટે રૂા. 13600ની સહાય જાહેર કરી છે. પિયત માટે રૂા.27000 અને બાગાયતી પાક માટે રૂા. 36000 પ્રતિ હેક્ટરની જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે બિનપિયત પાક માટે રૂા. 8500 ઉપરાંત વચગાળાની રોકડ રાહત, પિયત માટે હેક્ટર દીઠ રૂા. 17000 અને બાગાયતી-બારમાસી પાક માટે રૂા. 22500ની જાહેરાત કરી છે. એ વાત સાચી છે કે, દરેક રાજ્યની ભૌગોલિક સ્થિતિ, દુષ્કાળની સ્થિતિ અલગ-અલગ હોય એટલે સરકાર ઈરાદાપૂર્વક સહાય ઓછી કરે છે, તેવું કોઈ કહેતું હોય તો તે મોટી ગેરસમજ છે, ભલે અન્ય રાજ્યોની સરખામણીએ નહીં પણ ગુજરાતમાં જે હાલત છે, તેનો જરૂર પડયે વધારે અભ્યાસ કરીને, ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કરીને જો પુન: વિચાર થાય તો ખેડૂતો નુકસાનથી બચી શકે. ગુજરાત સરકારે વીજળી, પાણી, બિયારણ સહિતના સંદર્ભે કૃષિલક્ષી પગલાં સતત લીધાં છે, ત્યારે ખેડૂતો જે સમયે મુશ્કેલીમાં છે ત્યારે પણ કૃષિલક્ષી વલણનું સાતત્ય જળવાય તે બહુજન હિતાય, બહુજન સુખાય નિર્ણય રહેશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd