ભુજ, તા. 28 : દિવાળીનું પર્વ નજીક આવી ચૂક્યું
હોવા છતાં વાતાવરણમાં વિષમતાનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વાતાવરણીય
વિષમતા કચ્છમાં જોવા મળી રહી હોય તેમ જિલ્લા મથક ભુજ 38.2 ડિગ્રીએ રાજ્યનું મોખરાનું
ગરમ મથક બન્યું, તો સામી તરફ 19 ડિગ્રી લઘુતમ તાપમાને નલિયા
ઠંડાં મથકોમાં રાજ્યમાં અગ્રસ્થાને રહ્યું હતું. મધ્યાહ્ન સમયે આકરા તાપથી પ્રભાવિત
થતાં જનજીવન વચ્ચે વહેલી સવારે હવે શિયાળો નજીક હોવાના સંકેત આપતી શીતળતા વાતાવરણમાં
અનુભવાઇ રહી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર ભુજમાં 38.2 ડિગ્રી મહત્તમ સામે 23.6 ડિગ્રી લઘુતમ, નલિયામાં 37.8 ડિગ્રી મહત્તમ સામે 19 ડિગ્રી લઘુતમ, કંડલા પોર્ટમાં 35.2 ડિગ્રી મહત્તમ સામે 25 ડિગ્રી લઘુતમ, તો કંડલા (એ.)માં 35.6 ડિગ્રી મહત્તમ સામે 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
છે. હવામાન વિભાગે જારી કરેલા વર્તારામાં હવે ક્રમશ: મહત્તમ પારો ઘટતાં આકરા તાપમાંથી
રાહત મળે તેવો વર્તારો આપ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ
વરસવાની શક્યતા દેખાડી છે, પણ કચ્છમાં
વાતાવરણ પલટાય અને કમોસમી વરસાદ પડે તેવી સંભાવના ખૂબ ઓછી હોવાનું હવામાન નિષ્ણાતો
જણાવી રહ્યા છે.