અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના
રામોલમાં દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયેલા શખસની ઊંડાણપૂર્વકની તપાસ
કરી રહેલી અમદાવાદ પોલીસને ગણતરીના કલાકોમાં મોટી સફળતા મળી છે. ભુજના નાગોર રોડ સ્થિત
રોયલ ટાઉનશિપ-2માં રહેતા 28 વર્ષીય વોન્ટેડ આરોપી સાદિક
સતારભાઈ નોડેની હથિયારો મગાવવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસની ટીમને
આરોપીના મોબાઇલ નંબરના આધારે લોકેશન મળ્યું હતું અને ત્યારબાદ પશ્ચિમ કચ્છ એલસીબીની
મદદથી આ સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે આર્મ્સ
એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ઝાકિરબેગ મિરઝા નામના આરોપી પાસેથી દેશી
બનાવટની બે પિસ્તોલ અને બે કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના
અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી હતી.
આરોપીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન મેળવતાં તે ભુજમાં હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ પશ્ચિમ કચ્છ કઈઇનો સંપર્ક કરીને સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે
ગણતરીના કલાકોમાં ભુજ ખાતેથી આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે. આરોપી સામે અગાઉ ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, એટ્રોસિટી એક્ટ, પ્રોહિબિશન, હત્યાના પ્રયાસ, ધમકી,
ગેરકાયદે ટોળું એકત્ર થવું અને અન્ય ગુનાઓ સહિતના કેસ નોંધાયેલા છે.