નવી દિલ્હી, તા. 28 : એશિયન પેરા
ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા ભારતના દિગ્ગજ પેરા એથલીટ નીરજ યાદવનું 42 વર્ષની ઉંમરે મૃત્યુ થતાં ખેલ
જગતમાં શોક ફેલાયો છે. રિપોર્ટ અનુસાર નીરજે કથિત રીતે પોતાનાં ઘરે ઝેર પીધું હતું.
બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે મૃત્યુની
પરિસ્થિતિ અંગે વધારે માહિતી સામે આવી શકી નહોતી. ભારતીય પેરા એથલેટિક્સ ટીમના હેડ
કોચ એસ સત્યનારાયણે ઘટનાની પુષ્ટિ કરતાં હતી. તેમણે કહ્યું હતું કે, દુ:ખદ ઘટનાની જાણકારી મળી છે પણ નીરજનો મૃતદેહ
હજી હોસ્પિટલમાં જ હતો. સત્યનારાયણે કહ્યું હતું કે, નીરજે આત્મહત્યા
કરી છે. રિપોર્ટ અનુસાર ચાલુ મહિને આઈચી નાગોયામાં થયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ
શક્યો નહોતો. ડોપિંગ સસ્પેન્શનનાં કારણે હરીફાઈમાંથી બહાર રહેવું પડયું હતું. કહેવાય
છે કે આ સ્થિતિના કારણે નિરજ ડિપ્રેશનમાં હતો. જો કે હજી સુધી મૃત્યુની ચોક્કસ જાણકારી
મળી શકી નહોતી. નીરજ યાદવ ભારતના સફળ પેરા એથલિટમાં સામેલ હતો. તેણે એશિયન પેરા ગેમ્સમાં
કુલ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્ષ 2018માં જકાર્તામાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ
મેડલ નામે કર્યો હતો. બાદમાં 2023મા હવાંગ્ઝુ
એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રો અને ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.