• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

અસભ્ય શબ્દપ્રયોગ પછી ખડગે માફી માગશે?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી સામે જે ભાષાપ્રયોગ કર્યો છે તે સભ્ય સમાજ અને સમજદાર, જવાબદાર નેતાઓ માટે આઘાતજનક છે, - પણ આશ્ચર્યકારક નથી. કોકરોચ પાર્ટીના કાર્યકરોએ જંતરમંતર ખાતે જે બિભત્સ વર્તનનું પ્રદર્શન કર્યું અને ચૂંટણી કમિશનર માટે જે `િવશેષણો' વાપર્યા તે કોંગ્રેસી નીતિરીતિની નવી શરૂઆત હતી અને ખડગેએ તેમાંથી પ્રેરણા મેળવી કે પછી મોદી માટે વપરાયેલા આક્ષેપો - મૌત કા સોદાગર, નીચઆદમી, ગંદી નાલીકા કીડા - ચોકીદાર ચોર હૈ - વગેરેમાંથી પ્રોત્સાહન મેળવ્યું છે? હવે એમને કોઈ એવોર્ડ મળશે?

મોદીએ અગાઉ પણ કહ્યું હતું કે, એમના માટે જે ગલીચ વિશેષણ વપરાયા છે તે પછી હવે ડિક્શનરીમાં કોઈ પર્યાય રહ્યો નથી! કોંગ્રેસના નેતાઓમાં કોઈ શરમ રહી હોય તો એમણે મોદીની નહીં, રાષ્ટ્રની માફી માગવી જોઈએ. આજના મહાભારતમાં શિશુપાલને સજા જનતા જનાર્દન જ આપશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે તમામ મર્યાદા વટાવી ગયા. નરેન્દ્રભાઈ મોદી માટે તેમના મનમાં કેટલો દ્વેષ અને રોષ હશે તે તેમના વકતવ્યમાં જાહેર થઈ ગયા. કોંગ્રેસમાં હતાશા, ફ્રસ્ટ્રેશન છે. ગમે તે ભોગે મોદીને ઘેરવાના પ્રયાસ સફળ થઈ રહ્યા નથી તે હતાશાનું પરિણામ રાષ્ટ્રીય અધ્યક્ષના આ શબ્દો છે અને તેવું પૃથક્કરણ હવે દેશનો સામાન્ય નાગરિક પણ કરી શકે છે. આ ફક્ત રાજકીય વિવાદ નથી, સામાજિક દૃષ્ટિએ રાજનીતિની ભાષાનું સ્તર કેટલું નીચે ગયું છે તેનો પુરાવો છે. વૈચારિક અધ:પતનની આ સ્પષ્ટ સાબિતી છે.

રાષ્ટ્રીય રાજનીતિ ચૂંટણી કમિશનરના મુદ્દે ઘણા સમયથી ધગી રહી છે. કોંગ્રેસ કે અન્ય વિપક્ષ આ પ્રશ્ને કોઈ વિરોધ, વિધાન, નિવેદન કરે તો કદાચ પ્રજા તે સાંભળે, પરંતુ જે વિધાન રવિવારે સાંજે પટણામાં કોંગ્રેસના વૃદ્ધ-વરિષ્ઠ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું તે તો કોઈ રીતે સ્વીકાર્ય ન હોય, એમણે વિવાદ સર્જવા માટે જ આવો ભાષાપ્રયોગ કર્યો છે! વડાપ્રધાન કે સરકારના નિર્ણય, નીતિ, કાર્યશૈલી સામે વાંધો હોય તેની ટીકા થાય. સંસદમાં અને જાહેર સભામાં પડકાર થાય તે લોકશાહી પરંપરા છે, પરંતુ વડાપ્રધાનના માતા કે પિતાનો ઉલ્લેખ આટલી ખરાબ રીતે જાહેરસભામાં કરવાનું કોઈ પણ નેતાને શોભે નહીં.

સભામાં ઉપસ્થિત નાગરિકે કહ્યું કે, `મોદી ક્યારેય નહીં જાય' તો તેના જવાબમાં કહી શક્યા હોત કે `કોંગ્રેસ લડી રહી છે', `પ્રજા જવાબ આપશે', `િવપક્ષ આક્રમક બનશે...' પરંતુ મલ્લિકાર્જુન ખડગેએ તો સામાન્ય નાગરિક, કોંગ્રેસના કાર્યકર્તા કરતાં પણ નીચે ઊતરીને મંચની ગરિમા ઉપર પ્રહાર કરતો જવાબ આપ્યો કે `મોદી ક્યા મોદી કા...' (મર્યાદા નેતા ચૂકે, માધ્યમ નહીં) આ આવેશ ખડગેના તણાવ, મોદીને મહાત ન કરી શકવાના વસવસા અને હજી સફળતા નથી મળી રહી તેના અફસોસની સાબિતી, કબૂલાત આપે છે.

વિરોધ ગમે તેટલો હોય તો પણ વ્યક્તિગત ગરિમા ચૂકાવી નહીં જોઈએ. બંધારણીય પદનું તો સન્માન હોવું જ જોઈએ, તે પદ ઉપર બેઠેલી વ્યક્તિ પ્રત્યે પણ અંગત આદર ચૂકાવો ન જોઈએ, કમનસીબે ભારતની રાજનીતિમાં આવું થાય છે અને હવે તો વારંવાર થાય છે. બ્રિટિશરો સામે વિવિધ વિચારધારાની દોરવણી નીચે સંઘર્ષ હતો, તીવ્ર વિરોધ હતો પરંતુ ક્યાંય આવી નફરતની ભાષા નહોતી. કોંગ્રેસ પ્રમુખ ખડગે જે બોલ્યા, જે જુસ્સાથી કે બળાપાથી બોલ્યા તે ભાષા કોઈ શેરી કે વોર્ડના રાજકીય કાર્યકર્તા પણ વાપરે નહીં.

હવે જ્યારે કોંગ્રેસના કે અન્ય કોઈ પક્ષના નેતા મર્યાદા મૂકીને કોઈ વાત કરશે ત્યારે તેને નેતૃત્વ શું સલાહ આપશે? કે ઈનામ આપશે? રાષ્ટ્રીય અધ્યક્ષ જો આ રીતે વર્તતા હોય તો કાર્યકર્તા માટે છૂટ હોય જ. વડા પ્રધાન વિશે જે વિધાન થયા તે પછી ગૃહપ્રધાન અમિત શાહ સહિતના રાષ્ટ્રીય નેતા, રાજ્ય સ્તરના નેતાઓએ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. કોંગ્રેસે પાંગળો બચાવ કર્યો કે, `ખડગેનો ઈશારો તો ભાજપના વૈચારિક પિતા એવા આરએસએસ તરફ હતો.' વાસ્તવમાં તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધીએ જાહેરમાં મલ્લિકાર્જુન ખડગેના આ વિધાન માટે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ, માફી માગવી જોઈએ. પોતાના પક્ષના અધ્યક્ષને કહેવું જોઈએ કે `મર્યાદામાં રહો વડીલ... પણ આવી આશા રાખી શકાય? ખડગેનો વાણીવિલાસ સાંભળીને સૌએ તાળીઓ પાડી. હર્ષનાદ કર્યા અને કોંગ્રેસના નેતાઓ બચાવમાં ઊતરી પડયા!

`અગાઉ પણ આવું થયું હતું' તેમ કહેવાનો આ સમય નથી. પ્રજ્ઞા ઠાકુર શું બોલ્યા? તેનો જવાબ મણિશંકર અય્યર શું બોલ્યા? તે હશે અને ખડગેએ નરેન્દ્ર મોદીને `સાપ' કહ્યા તેનો જવાબ નરેન્દ્રભાઈએ શું આપ્યો? તે હશે. લોકો રાજકીય રીતે આ મુદ્દો મુલવે છે કે, હવે ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે. આ વીડિયોનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થશે. આ ફક્ત રાજકીય બાબત નથી. આનો લાભ ભાજપને થાય, નુકસાન કોંગ્રેસને થાય તેના કરતાં અગત્યનું એ છે કે, રાજનીતિને, રાષ્ટ્રીય ગરિમાને મોટું નુકસાન છે ચિંતા તેની કોઈને છે? મલ્લિકાર્જુન ખડગેનો આ ક્ષણિક આવેશ - જે ક્ષણિક નથી. એમના દિલો દીમાગમાં ભરાયેલા વિષનું વમન છે! વિદ્યાર્થીઓના આંદોલન પછી ચૂંટણી કમિશનના મુદ્દે જાગેલી, ચાલતી થયેલી કોંગ્રેસની પ્રગતિ ઉપર ફરી લગામ લાગી ગઈ છે, વાસ્તવમાં લગામની જરૂર નેતાઓની જીભ પર છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd