ભચાઉ, તા. 28 : તાજેતરમાં ભચાઉ નજીક પ્લાયવૂડની કંપનીમાં ભીષણ આગની ઘટના તાજી
જ છે, ત્યાં ગત મોડી રાત્રિના રેલવેના
માલગાડીના વેગન બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગથી ભારે દોડધામ થઈ પડી હતી. કલાકોની
જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દરમ્યાન ધડાકો પણ થયો હતો. ભચાઉના ચોપડવા ગામ નજીક
આવેલી ટ્રેનનાં મટિરિયલ બનાવતી ઓરિએન્ટલ ફાઉન્ડ્રી કંપનીમાં ગત મોડી રાત્રિના ભીષણ
આગ લાગી હતી. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે
112 મારફતે જાણ થતાં ભચાઉ નગરપાલિકાની
ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કંપનીના રો-મટિરિયલ અને ટ્રાન્સફોર્મરના ઓઈલમાં આગ
ફેલાતાં ફાયર ફાઈટિંગ દરમિયાન ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ પણ થયો હતો. જો કે, ફાયર ટીમે સતત પાંચ કલાક પાણીનો મારો ચલાવી
આગ પર કાબૂ મેળવ્યો હતો અને આશરે 70 ટકા કંપનીને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. આગમાં નુકસાનીનો
આંક મોટો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અત્રે
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં રેલવેની
માલગાડીના વેગન બનાવતી આ પ્રથમ કંપની કાર્યરત થઈ હતી.