• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવો

ગાંધીધામ, તા. 28 : કચ્છના મુખ્ય વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર સમાન ગાંધીધામ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સ્થિતિ વિકટ બની છે. વારંવાર આ પાણીની સમસ્યાથી મહાનગરપાલિકા વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે. આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક કાયમી નિવારણ લાવવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસીએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પાઠવવામાં આવેલા પત્રમાં કંડલા ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં ક્યાંક પાંચ-પાંચ દિવસે પાણી વિતરણ થાય છે, તો કેટલાક વિસ્તારોમાં છેલ્લા 11 દિવસથી પાણી ન મળતાં નાગરિકો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરમાં સતત વધતી વસ્તી અને વેપાર-ઉદ્યોગના વિકાસ સાથે પાણીની માંગમાં પણ સતત વધારો નોંધાયો છે, તેની સામે વિતરણ વ્યવસ્થા સાવ કથળી ગઈ છે. ગાંધીધામ શહેરને પાણી પહોંચાડતા ટપ્પર ગામ સ્થિત ડેમમાંથી પુરવઠો આપવા માટે વપરાતી મોટર કે પમ્પમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાતી હોવાથી આખી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. માત્ર કામચલાઉ સમારકામ કરવાને બદલે ખામીનું મૂળ કારણ શોધીને તેનો કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. કમિશનરને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ સુનિશ્ચિત કરવા ઉપરાંત અમુક વિસ્તારોમાં લાંબા સમયથી પાણી મળ્યું નથી, ત્યાં તાકીદે ટેન્કર કે વૈકલ્પિક રીતે પાણી પહોંચાડવું જરૂરી હોવાનું જણાવાયું હતું. વારંવાર સમસ્યા સર્જાઇ રહી છે તેનો નિવાડો લાવવા ટપ્પર ડેમ ખાતેની પમ્પિંગ સિસ્ટમની તકનીકી તપાસ કરાવીને વારંવાર બગડતા પમ્પના સ્થાને નવી અને વધુ ક્ષમતાવાળી મોટર/પમ્પ બેસાડવા માંગ કરાઈ છે. મુખ્ય પમ્પિંગ સિસ્ટમમાં વૈકલ્પિક પમ્પ રાખવો જેથી એક પમ્પ બગડે તો પણ સમગ્ર શહેરનો પુરવઠો ઠપ ન થાય અને વિતરણ વ્યવસ્થા યથાવત રહે તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે. શહેરની મુખ્ય પાઇપલાઇન, આંતરિક વિતરણ લાઇન અને પાણીના પ્રેસરની તુરંત તપાસ કરી સુધારણા હાથ ધરવી આવશ્યક હોવાનું જણાવાયું છે. શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું મજબૂત આયોજન કરવું અને પુરવઠો ખોરવાય ત્યારે નાગરિકોને સમયસર જાણ કરીને ફરિયાદોનો ઝડપી નિકાલ કરવામાં આવે તો નાગરિકોની મુશ્કેલીઓ હળવી થઈ શકે છે. વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજાના હિતને ધ્યાને રાખી આ પ્રશ્નને પ્રાથમિકતા આપી સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ  કંડલા ચેમ્બરે ભારપૂર્વક દોહરાવી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd