વિશ્વનાથ
જોષી દ્વારા : દયાપર
(તા. લખપત), તા. 15 : મેઘ તરસ્યાં લખપત તાલુકામાં ગત રાતથી મંગળવારની
સાંજ સુધીમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ થતાં તળાવોમાં નવાં નીર આવ્યાં
છે તેમજ ઘાસચારા, કઠોળ, મગફળી, કપાસને ફાયદો કરાવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. તાલુકાના મુખ્યમથક
દયાપર ખાતે સોમવારની રાત્રે મેઘમંડાણ થયા પછી મંગળવાર આખો દિવસ ધીમી ધારે વરસાદ ચાલુ
રહ્યો હતો. મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરતાં ગત રાત્રે 77 મિ.મી. અને આજનો 23 મિ.મી. જોડાતાં 100 મિ.મી. (ચાર ઈંચ) વરસાદ નોંધાયો છે. મોસમનો
કુલ વરસાદ 179 મિ.મી. થયો છે. - ખેડૂતો રાજી! : ધીમીધારે પડેલો વરસાદ ખેડૂતોને ઘણો ઉપયોગી
થશે તેવું કહેતાં અગ્રણી જુગરાજસિંઘ સરદારે જણાવ્યું હતું કે, નરા વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ થયો છે. નાનાં તળાવોમાં નવું પાણી
આવ્યું છે. પિયત તેમજ કપિત મગફળી, ગુવાર, કપાસના
પાકને ફાયદો થશે, કપાસનાં છોડનો ગ્રોથ વધશે. નારાયણ સરોવરના
પવિત્ર સરોવરમાં પણ નવાં નીર આવ્યાનું ગામના પૂર્વ સરપંચ સુરૂભા જાડેજાએ જણાવ્યું હતું.
- તળાવોમાં નવાં નીર : મુધાન વિસ્તારમાં કોઈ મોટી નદીઓ આવી નથી
પણ ધીમીધારે વરસાદ પડતાં જમીનમાં પાણી ઊતર્યું છે. ઘાસચારા માટે `જશનો મીં' કહેવાશે તેવું ભગુભા જાડેજાએ કહ્યું હતું. કોરિયાણી, કપુરાશી વિસ્તારમાં પણ નાના-નાના તળાવોમાં દોઢથી બે મહિનાનું પાણી આવી
ગયું છે. ઘાસચારા માટે વરસાદ સારો હોવાનું સરકારી આગેવાન ભાણજીભા સોઢાએ જણાવ્યું હતું.
મુખ્ય મથક દયાપરના બાયાંસર તળાવમાં નવાં પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી. તાલુકાના મહત્ત્વના
જળસ્રોત નરા ડેમ અને ગોધાતડ ડેમ નાના-નાના ચેક ડેમ હોતાં તેમાં નવાં પાણી આવતાં વાર
લાગશે. હાલમાં આકાશ વાદળોથી ગોરંભાયેલું હોતાં ખેડૂતોને હજુ વધુ વરસાદની આશા છે. તાલુકાના
બધા ડેમ-તળાવ છલોછલ ભરાઈ જાય તો બાર મહિના પાણીનો પ્રશ્ન સદંતર હલ થઈ જાય. તાલુકાના
દુર્ગમ આંતરિયાળ વિસ્તાર ઝાડવા ગામ આસપાસ પણ વરસાદ પડયો હોવાનું પીનુભાઈ રબારીએ જણાવ્યું
હતું. દયાપર બસ સ્ટેશન પાસે સી.સી. ચોક બન્યા પછી પણ કાદવ-કીચડનું સામ્રાજ્ય લોકોને
પરેશાન કરતું દેખાયું હતું.