કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 15 : અબડાસા તાલુકામાં ગત રાત્રિથી
મંગળવારના બપોર સુધીમાં 100થી વધુ ગામોમાં
અઢી ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસતાં અછતના ઓછાયા વચ્ચે ખેડૂતો અને
માલધારી વર્ગમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તાલુકાના મુખ્ય મથક નલિયામાં રાત્રિથી બપોર
સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં નગરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.
- દરિયાઇપટ્ટીમાં ધોધમાર : દરિયાઈપટ્ટાનાં ગામો સિંધોડી, લાલા અને બુડિયામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો
છે. સિંધોડીના વાલજી ગઢવીના જણાવ્યા અનુસાર, રાત્રે શરૂ થયેલા
3થી 4 ઇંચ વરસાદના કારણે માલધારી વર્ગને મોટી રાહત થઈ છે અને વાવેતર
કરનારા ખેડૂતોને મોટો ફાયદો થશે. સુથરીના સરપંચ અબ્દુલ મંધરાના જણાવ્યા મુજબ સુથરી, બેરા અને આધાપર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ
થયો છે. આ ઉપરાંત જખૌ, દદામપર અને આશીરાવાંઢ વિસ્તારમાં 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તેરાથી ગિરીશ શાહ અને બિટ્ટાના જગદીશ
ઠક્કરે માહિતી આપી હતી કે, તેરા,
બિટ્ટા, દુ:ખી, ભારાપર અને
વમોટી સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાતા તળાવના કૈલાસ ગોસ્વામીના
અહેવાલ મુજબ મોથાળા, રાતા તળાવ, નરેડી,
ચિયાસર અને સણોસરા વિસ્તારમાં રાત્રિથી બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ
પડ્યો છે. ગઢડા પંથકના અકરીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અનિરુદ્ધાસિંહ જાડેજાએ જણાવ્યું
હતું કે, અકરી, રામવાળા અને મોટી બેર સહિતના
વિસ્તારોમાં 2થી 3 ઇંચ વરસાદથી ખેડૂતો અને માલધારીઓને મોટો
લાભ થશે. બીજી તરફ વાયોરના ખબરપત્રી કિશોરાસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર વાયોર, સરગવાડા, વલસરા,
કેરવાંઢ, ઉકીર અને ફુલાય સહિતના વિસ્તારોમાં બપોરથી
રાત્રે સારો ખેતીલાયક વરસાદ વરસ્યો છે, જેનાથી ભોવા ગામના તળાવમાં
નવાં નીર આવ્યાં છે. - કોઠારામાં
કાચું સોનું : કોઠારાથી
પ્રતિનિધિ મનોજ સોનીના જણાવ્યા અનુસાર, કોઠારા વિસ્તારના ગામોમાં રાત્રિથી સવાર સુધી કાચું સોનું વરસતાં કોઠારામાં
ત્રણ ઇંચ વરસાદ સાથે જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં અને તળાવમાં નવાં નીરની આવક શરૂ
થઈ ગઈ હતી. વિંઝાણના સરપંચ સજ્જનાસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વરાડિયા, વિંઝાણ, હાજાપર અને મિયાણી વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ
થતાં વિંઝાણનાં તળાવમાં નવાં નીર આવ્યાં છે. સાંધાણના શિવજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું
કે, સાંધાણ અને લઠેડીમાં 3 ઇંચ વરસાદથી સાંધાણ નદીમાં પાણી વહેતાં
થયાં છે. દરિયાપટ્ટીના ખુઅડા ગામે 3 ઇંચ વરસાદ થયો હોવાનું સતુભા ભાટીએ જણાવ્યું હતું. આરીખાણાના સરપંચ મહેન્દ્રાસિંહ જાડેજાના જણાવ્યા
મુજબ આરીખાણા, સાંયરા, કમન, કડુલી, રાપરગઢ અને વરંડીમાં
બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયદેવાસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ડુમરા અને નારણપરમાં બે
ઇંચ, જ્યારે ચકુભા જાડેજાના જણાવ્યા મુજબ વરંડી મોટીમાં બે ઇંચ
વરસાદ થયો છે. કાયત્રા અને રાયધણપર વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ અંગે ઓસમાણભાઈ મંધરાએ
માહિતી આપી હતી. તેરા, બિટ્ટા, હમીરપર,
ધુફી અને લાખણિયામાં ત્રણ ઇંચ, જ્યારે ખીરસરા
(કોઠારા)માં બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાનું કરણાસિંહ સોઢાએ જણાવ્યું હતું. - કનકપરમાં વીજળી પડી : કનકપરના સરપંચ ચંદ્રિકાબેન રંગાણીના જણાવ્યા
મુજબ ગામમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. કનકપરમાં એક ઘરના આંગણામાં વીજળી પડી હતી, પરંતુ કોઈ નુકસાની થઈ ન હતી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી.
વાંકુમાં ત્રણ ઇંચ વરસાદ અંગે રામસંગજી જાડેજાએ અને વાડાપદ્ધરના બેથી અઢી ઇંચ વરસાદ
અંગે સંજયાસિંહ જાડેજાએ માહિતી આપી હતી. સમગ્ર અબડાસા તાલુકામાં મોડો વરસાદ પડવાથી
ખેડૂત વર્ગ જે ચિંતામાં હતો, તે વાવેતર કરી દીધા બાદ આ વરસાદ
થતાં દૂર થઈ છે અને ખેતી તેમજ માલધારી વર્ગ બંનેમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઈ
ગયો છે.