• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

મેઘરાજાની પીંછીનો એક લસરકો ને મુંદરા તાલુકો ન્યાલ !

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 15 : માત્ર ખેડૂતોને જ નહીં જનસામાન્ય, પશુપાલકો અને સરકાર સહિત સમગ્ર જિલ્લામાં અછતની ચિંતા વ્યાપી હતી, પણ `યે કૌન ચિત્રકાર હૈ' કે જેની એક પીંછીના લસરકાએ સમગ્ર ચિત્ર જ બદલી નાખ્યું...! હા, કચ્છ સાથે મુંદરા તાલુકામાં મેઘરાજા સોમવારે ગણેશ ચતુર્થીની રાત્રિએ એક બાજુ પંડાલોમાં સત્સંગ સહિતના કાર્યક્રમો જારી હતા અને બીજીબાજુ એ પૂરા થતાં જ ધોધમાર વરસ્યા હતા અને સવારે નદી, નાળાં, ડેમ છલકાયા હતા. સત્તાવાર આંક મુજબ રવિવાર સવારથી સાંજ સુધીમાં ઝાપટાં સ્વરૂપે પોણો ઈંચ વરસાદ બાદ રાત્રે મન મૂકીને રીઝ્યા હતા અને રાત્રિના 10થી સવારના છ વાગ્યા સુધી લગભગ ત્રણ ઇંચ અને સવારના 6થી બપોરે 12 વાગ્યા સુધી વધુ દોઢ ઇંચ વરસાદ થતાં કુલ છેલ્લા 24 કલાકમાં અંદાજે પાંચ ઈંચ મેઘમહેર થતાં તાલુકો ન્યાલ થઈ ગયો હતો. ચોમેર છલોછલ નદી, ડેમ, તળાવની તસવીરો  સોશિયલ મીડિયામાં શેર કરીને લોકોએ હર્ષની લાગણી વ્યકત કરી હતી. મુંદરા શહેરમાં રાબેતા મુજબ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, પણ નગરસેવકો અને તંત્રની જાગૃતિથી તેનો નિકાલ કરાયો હતો. જો કે, રાતની એક ઘટનામાં બસ સ્ટેશન પાસે સ્ટ્રીટલાઈટના થાંભલામાં વીજકરંટથી એક નંદીનો જીવ ગયો હતો. - કારાઘોઘા ડેમ - તળાવ છલકાયા; હેઠવાસના વિસ્તારોને એલર્ટ કરાયા : કારાઘોઘા ડેમ વિસ્તારના કંટ્રોલ કક્ષમાંથી ધનુભા જાડેજાએ સવારે 11 વાગ્યે જણાવ્યું કે, ડેમ છલકાઈ ગયો છે. આ ડેમના સ્રાવ વિસ્તારમાં અગાઉના 120 મિ.મી. વરસાદ સાથે રાત્રિના વધુ 88 મિ.મી. વરસાદ થતાં કુલ 208 મિ.મી. નોંધાયો છે. કારાઘોઘા ગામના સરપંચ મુકેશ શેઠિયાએ પણ આ સમાચાર પર હર્ષ વ્યકત કરીને ઉમેર્યું કે, ગામનું તળાવ ભરાઈ ગયું છે, ઓગનવાના આરે છે.  દરમિયાન, મામલતદાર કચેરી દ્વારા ચેતવણી જારી કરાઈ હતી, સમાઘોઘા નદી પર આવેલા કારાઘોઘા ડેમના હેઠવાસમાં આવતા ધ્રબ, બોરાણા, સમાઘોઘા, બરાયાના લોકો સચેત રહે. જો કે, બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. - ભદ્રેશ્વર પંથકમાં લીલાલહેર : ભદ્રેશ્વરના પૂર્વ જિ. પં. સદસ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ કહ્યું કે, ભદ્રેશ્વર પંથકનાં ગામોમાં એક રાતમાં ચારથી પાંચ ઈંચ પાણી વરસતાં નદી, તળાવ છલકાઈ ઊઠયા છે. ભરૂડિયા ડેમમાં બપોર સુધીમાં 13 ફૂટ પાણી આવ્યું છે, જે 15 ફૂટે ઓગની જવાની આશા છે. - ખેંગારસાગર / ફાચરિયામાં નવાં નીર : મુંદરા તાલુકાનાં વાંકી-પત્રી ગામ નજીક આવેલા રાજાશાહી સમયના ખેંગારસાગર ડેમના સ્રાવ વિસ્તારમાં મેઘમહેરથી 18  ફૂટ પાણી આવ થયાનાં વાવડ છે. કોટડા ચકાર પાસે ધસમસતી નદી વહી હતી. આ ડેમ આજે 22.5 ફૂટ ઓગની જાય એવી પત્રીથી ગુલાબાસિંહ જાડેજાએ આશા વ્યક્ત કરી છે. બીજીબાજુ, ફાચરિયા ડેમ પણ બપોરે આ લખાય છે ત્યારે 13  ફૂટે પાણી છે અને વધુ એક ફૂટે ઓગની જાય તેવો પ્રવાહ છે. દરમિયાન, ટપ્પર પંથકમાં બહુ સારો વરસાદ થયાનું અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાનું અગ્રણી યુવરાજાસિંહ જાડેજાએ કહ્યું હતું. ભુજપુરથી પ્રતિનિધિ કિરીટભાઈ સોનીના કહેવા મુજબ રાત્રિ દરમિયાન ધીમીધારે સતત વરસાદ વરસતાં બે ઇંચથી વધુ પાણી પડયું અને સવારે જોરદાર ઝાપટાંથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. નાની તુંબડીથી અબ્દુલભાઈ સાટીએ કહ્યું કે, ગામ આસપાસ પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જોશભેર નદી વહી હતી. - પૈયુવાળો/બાબિયા ડેમ ઓગન્યા : સમાઘોઘાના સરપંચ હરેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગામને પાણી, ખેતી સહિત અનેક રીતે જીવાદોરી સમાન પૈયુવાળો ડેમ ઓગની જતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ છે. બાબિયાથી યુવરાજાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, નાની ખીરઈ સિંચાઈ યોજના હસ્તકનો બાબિયા ડેમ ઓગની ગયો છે, જેનાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. - વવાર પંથકમાં ચાર ઇંચ : વવારથી પ્રતિનિધિ માણેક ગઢવીના અહેવાલ મુજબભદ્રેશ્વર, મોખા, છસરા તેમજ આસપાસના ગામમાં સોમવાર સમી સાંજથી ધીમીધારે ચાલુ થયેલો વરસાદ પૂરી રાત વરસ્યો હતો. ખેડૂતભાઈઓ અને માલધારીઓ ખુશીથી ઝૂમી ઊઠયા હતા. પાવડિયારાના અગ્રણી દશરથાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કુદરતે એક રાતમાં જ મનુષ્યજીવ તેમજ અબોલ જીવને  રાજી કરી દીધા. વડાલાના માલધારી સોમલભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હવે સીમાડે પાણીની તંગી નહીં રહે, સીમાડે ઊગી નીકળેલા ઘાસચારાને પણ ફાયદો થશે. આ વિસ્તારના ગામના તળાવો, નાના ચેકડેમો, નદી-નાળાંઓમાં નવાં નીરની આવક થઈ છે. અહીં સાડા ત્રણથી  સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયાના સમાચાર છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd