રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 15 : શહેર અને તાલુકા પર અંતે મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ ગત સાંજથી આખી રાત વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી થઈ ગયું હતું. ભારે જળભારવની સ્થાતિંથિ જનજીવનને ભારે અસર પડી હતી. તો નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબતર બનતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શનિવાર સુધી માત્ર 101 મીલીમીટર જ વરસાદ નોંધાયો હતો પરંતુ સોમવારથી 24 કલાક દરમ્યાન ઘીંગી મહેરથી 12 ઇંચ સુધી પહોંચ્યો હતો. - શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા : સવાસર નાકા ખાતે આવેલા જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં વેપારીઓ, દલાલો તથા ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. શાકભાજીની હેરફેર અને વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. તરફ સવાસર નાકા તળાવમાં પણ નવા નીરની નોંધપાત્ર આવક થતાં તળાવના જળસ્તરમાં વધારો થયો હતો. - વરસામેડી અંડરબ્રિજમાં પાણી : ભારે વરસાદની વરસામેડી અંડરબ્રિજ માં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જળભરાવ વચ્ચે એક ખાનગી બસ પણ ં ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે સુધરાઈ તંત્ર દ્વારા મહા મહેનતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટર લગાવીને પાણી બહાર કાઢવાની કવાયત કરાઈ હતી. આ ઘટનાએ ભારે વરસાદ દરમિયાન અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. - ગાયત્રી ચાર રસ્તા પર ભરાવો : ગાયત્રી ચાર રસ્તા પર પણ ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા હતાં. . પાણીનો ભરાવો એટલો હતો કે વાહનચાલકોને માર્ગ પરથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી હતી. આ દરમિયાન નો-એન્ટ્રીમાં ઘૂસેલું એક ટ્રેઇલર ખાડામાં ફસાઈ જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. આ સ્થિતિના કારણે માર્ગ અવરોધાયો હતો - સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા : શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ગોકુલનગર, મારુતિનગર, વિર ભગતાસિંહનગર, મ્યુનિસિપલ કોલોની, હાઉસિંગ બોર્ડ સોસાયટી, શિવનગર અને પૂજા એવેન્યુ સહિતના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી અને રાજિંદા જીવનને અસર થઈ હતી. રાત્રીના પાણી નિકાલ માટે કવાયત કરાઈ હતી. આ ઉપરાંત શહેરના આઇકોનિક માર્ગ તેમજ બી.આર.સી. ભવન રોડ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. - સુધરાઈની દોડધામ : ભારે વરસાદ વચ્ચે અંજાર સુધરાઈ તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા આખી રાત કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની જાણ થતાં જેસીબી તેમજ ટ્રેક્ટરો દોડાવવામાં આવ્યા હતા અને જરૂરી સ્થળોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. - પદાધિકારીઓનું નિરીક્ષણ : પરિસ્થિતિનો તાગ મેળવવા અંજાર સુધરાઈના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, નગર સેવકો અમિતભાઈ વ્યાસ, અલ્પેશભાઈ દરજી, ગિરીશભાઈ પરમાર, તેજપાલભાઈ લોચાણી સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જીતુભાઈ જોષી, વિનોદભાઈ શામળિયા, મેઘજીભાઈ મહેશ્વરી, રજાક બાયડ, દર્શનાસિંહ રાઠોડ સહિતના સુધરાઈ કર્મચારીઓ અને કાર્યકરોએ જોડાયા હતાં. - ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બન્યા જળમય : તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી હતી. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સાથે તાલુકાના અનેક નદી-નાળાં અને તળાવોમાં નવા નીરની આવક થતાં જળસંગ્રહની સ્થિતિ પણ સુધરી છે. - હીરાપર તળાવ ઓગન્યું : તાલુકાના હીરાપર ગામે આવેલ સાકરીયા તળાવ ઓગનતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તળાવમાં નવા નીરની આવક વધતાં ગ્રામજનોએ તળાવને વધાવી મેઘરાજાનો આભાર વ્યક્ત કર્યો હતો. સતાપર ગામના અગ્રણી ગોપાલભાઈ માતાના જણાવ્યા મુજબ ગામના નાના સિંચાઈ ડેમમાં માત્ર એક જ રાતના ભારે વરસાદથી પાણીનું સ્તર 13 ફૂટ સુધી પહોંચી ગયું હોવાનું જણાવ્યું હતું. - મોટી નાગલપર નદી વહી : તાલુકાના મોટી નાગલપર ગામ નજીક ભારે વરસાદના પગલે નદીમાં પણ જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે પ્રવાહ સાથે નદી વહેતી થતાં કુદરતી સૌંદર્યનો નજારો જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. - મોસમનો 12 ઈંચ વરસાદ છતાય અંજારનું સવાસર તળાવ ન ઓગન્યું : અંજાર , તા. 15 :સોમવારથી 24 કલાક સુધીમાં 8 ઈંચ અને મોસમનો 12 ઈંચ વરસાદ છતાય શહેરના મહત્વના સવાસર તળાવમાં હજુ સુધી તળાવ ન ઓગનતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે શહેર અને તાલુકાના વિસ્તારમાં આટલા પ્રમાણમાં વરસાદ પડતાં જ સવાસર તળાવમાં આસપાસના વિસ્તારોમાંથી પાણીની પૂરતી આવક થતી અને તળાવ ઝડપથી ઓગની જતું. પરંતુ કુદરતી આવમાં મોટા પાયે દબાણો તેમજ અન્ય કારણો માર્ગ અવરોધાતા પાણીની આવક નથી થતી શહેરના વિસ્તરણ, બાંધકામો અને તળાવની આવના કુદરતી માર્ગોમાં થયેલા ફેરફારોને કારણે પરિસ્થિતિ બદલાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સ્થિતિ સર્જાતા હવે વધુ વરસાદની જરૂર પડે છે. જો તળાવની આવનો માર્ગ ખુલ્લો અને અવિરત હોત તો શહેર તથા આસપાસના વિસ્તારોમાં વરસતા વરસાદી પાણીનો મોટો હિસ્સો સીધો સવાસર તળાવ સુધી પહોંચી શક્યો હોત. સવાસર તળાવ અંજાર માટે માત્ર એક જળાશય નથી, પરંતુ શહેરની પર્યાવરણીય અને જળસંચય વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે. તળાવમાં પાણીની પૂરતી આવક રહે તે માટે તેની કુદરતી આવ અને પાણીના વહેણના માર્ગોને ખુલ્લા રાખવા અત્યંત જરૂરી છે. - અંજારમાં પાણી ભરાવાની 18 ફરીયાદ : પ્રીમોન્સુન કામગીરી સામે સવાલ : અંજાર, તા. 12 : અંજારમાં આખી રાત ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે સુધરાઈ તંત્ર આખી રાત દોડયું હતું. કંટ્રોલરૂમ સતત ચાલુ રહ્યો હતો. સુધરાઈના ચોપડે જલનળ ભરાવની 18 ફરીયાદો આવી હતી. વધુ પાણીનો ભરાવો હતો ત્યાં ફાયર ફાઈટર અને મોટરો દ્વારા પાણી નો નિકાઈ કરાયો હતો. શહેરમાં સર્જાયેલી સ્થિતિ થી પ્રી મોન્સુન કામગીરીની અસરકારકતા અંગે પણ સવાલ ઉભા થયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જળભરાવવાની સમસ્યા કાયમી બની ગઈ હોવાનું રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું.