ભુજ, તા. 15 : મુંદરાનાં બંધ મકાનનાં તાળાં
તોડી માળિયાના કબાટમાંથી પેન્શનની બચતના રાખેલા રોકડા રૂા. 2.50 લાખની તસ્કરી થયાનો બનાવ સામે
આવ્યો છે. અંગે આજે મુંદરા પોલીસ મથકે મુંદરામાં હસનપીર બજાર, કેરાઇ ફળિયા, ખોજા મસ્જિદની
બાજુમાં રહેતા સમીરભાઇ સોકતઅલી ખોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના 70 વર્ષીય પિતા સોકતઅલી અંધ છે
અને તેઓ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, હાલે નિવૃત્ત જીવન જીવે છે, તેઓને દર મહિને રૂા. 44 હજાર જેટલું પેન્શન આવે છે.
ગત તા. 10-9ના ફરિયાદી અને તેમનો પરિવાર
ઘર બંધ કરી અમદાવાદ ખાતે ધર્મગુરુ પ્રિન્સ રહીમ આગા ખાન આવવાના હોઇ ખોજા સમાજ સાથે
ગયા હતા, ત્યાંથી પરત તા. 12-9ના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજાનાં
તાળાં તૂટેલાં હતાં. પિતાજીના પેન્શનના આવતા રૂપિયામાંથી બચત કરીને રોકડા રૂા. 2,50,000 ફરિયાદીએ ઘરના માળિયાના કબાટમાં
રાખ્યા હતા, જે કયાંય દેખાયા ન હતા.
આમ કોઇ અજાણ્યો ચોર લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.