• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (ડબલ્યુસીઈએફ) 2026ની 10મી આવૃત્તિનો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે મંથન કરવામાં આવશે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ, ગ્રીન ઇનોવેશન્સ, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ અને રિસાયક્લિગ ટેકનોલોજીને પ્રદર્શિત કરતાં 125થી વધુ સ્ટોલ્સ ધરાવતાં વિશેષ સર્ક્યુલરિટી એક્સ્પો નું પણ વિધિવત ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું.  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે. જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે. વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ 2026નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે. ભારત ઉપરાંત 66 દેશોના પ્રતિનિધિઓ, 200 થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુન:સમર્થન મળ્યું છે. સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર, ડિઝાઇન, ઉત્પાદન, વપરાશ, પુન:ઉપયોગ, સમારકામ અને પુન:ઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે. ગુજરાતમાં 63 ટકા કચરાના રિસાયક્લિગની કામગીરી થઈ : વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd