કોટડા ચકાર (તા. ભુજ), તા. 24 : ભુજ તાલુકામાં
ભુજ-અંજાર હાઈ-વે પર આવેલી કોટડા ચોકડીથી કુકમા સુધીનો અંદાજે દોઢથી બે કિલોમીટરનો
માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલતમાં હોવાથી વાહનચાલકો સહિત સ્થાનિક લોકો ભારે હાલાકી
ભોગવી રહ્યા છે. રસ્તા પર મોટા ખાડા, ઊખડેલો ડામર અને ઊંચા-નીચા ભાગોનાં કારણે માર્ગની હાલત અત્યંત ખરાબ બની ગઈ
છે. આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો, બાઈકચાલકો તેમજ સ્થાનિક
લોકોની અવરજવર રહે છે, તેમ છતાં માર્ગની યોગ્ય જાળવણી અને મરંમત
ન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બાઈકચાલકો માટે રસ્તા પરના ખાડા
અકસ્માતનું જોખમ વધારી રહ્યા છે. સ્થળ પર જોવા મળેલાં દૃશ્યો મુજબ અનેક જગ્યાએ રસ્તાનો
ડામર સંપૂર્ણપણે ઊખડી ગયો છે અને માર્ગની સપાટી તૂટી ગઈ છે. કેટલાંક સ્થળોએ મોટા ખાડાઓને
કારણે વાહનચાલકોને વાહન ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક ચલાવવાની ફરજ પડે છે. રસ્તાની
બંને બાજુની માટી અને ધૂળનાં કારણે પણ વાહનચાલકો તથા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાયપાસ હાઈ-વે શરૂ થયા બાદ આ ટૂંકા
અંતરના માર્ગ તરફ તંત્રનું પૂરતું ધ્યાન ગયું નથી. લોકોનું કહેવું છે કે, આ માર્ગ સ્થાનિકો માટે મહત્ત્વનો હોવા છતાં લાંબા સમયથી તેની અવગણના થઈ રહી
છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, કોટડા ચોકડીથી કુકમા
સુધીના આ માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરી ખાડાઓ પૂરવા તેમજ જરૂરી ડામરકામ કરવામાં
આવે. માત્ર દોઢથી બે કિલોમીટરના આ માર્ગની યોગ્ય મરંમત કરવામાં આવે તો વાહનચાલકો અને
સ્થાનિક લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. સ્થાનિક પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા વહેલી
તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને માર્ગની સ્થિતિ સુધારવામાં આવે તેવી સ્થાનિકોમાંથી
ઉગ્ર માંગ ઊઠી રહી છે. રસ્તાની મરંમત થવાથી અકસ્માતનું જોખમ ઘટવાની સાથે વાહનચાલકોને
પણ સુરક્ષિત અને સરળ અવરજવર મળી શકે તેમ છે.