મુંદરા, 24 : ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં
ઐતિહાસિક સફળતા મેળવનારા સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને ઈઊઘ પવન ચાંદનાએ ખાવડાના આર. ઈ. પાર્ક અને મુંદરાની મુલાકાત લીધી
હતી. મુંદરા મુલાકાત દરમિયાન પવન ચાંદનાએ અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ
ગ્રુપની ઔદ્યોગિક, પોર્ટ,
ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ક્ષમતાઓ વિશે માહિતી મેળવી હતી. તાજેતરમાં
જ સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરીને દેશના સ્પેસ સેક્ટરમાં
નવી સિદ્ધિ નોંધાવી છે. કચ્છ મુલાકાત દરમિયાન અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ તેમની સાથે રહ્યા હતા. તેમણે પવન
ચંદનાને ખાવડા અને મુંદરામાં વિકસિત થઈ રહેલા વિવિધ પ્રકલ્પો અને અદાણી ગ્રુપના વિશાળ
ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અંગે માહિતી આપી હતી. ભારતના સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રમાં નવી દિશા
આપનારા યુવા ઉદ્યોગસાહસિક માટે મુંદરા જેવા અત્યાધુનિક ઔદ્યોગિક હબની મુલાકાત ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગસાહસિકતાના સંકલનને
સમજવાની તક સમાન રહી હતી. પવન ચાંદનાએ આ દરમિયાન અદાણી પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી
હતી. શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, કેમ્પસ અને વિદ્યાર્થીઓ માટે
ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ વિશે તેમણે જાણકારી મેળવી હતી. પવન ચાંદનાની મુંદરા સાથેની મુલાકાતનું
એક વિશેષ પાસું તેમનું પારિવારિક જોડાણ પણ છે. તેમના પિતા અગાઉ અદાણી ગ્રુપના મુંદરા
ખાતે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્કાયરૂટ એરોસ્પેસે
ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન બનાવ્યું છે. કંપનીના વિક્રમ-1 રોકેટની સફળતાએ ભારતીય ખાનગી સ્પેસ ક્ષેત્રની
ક્ષમતાને નવી ઓળખ આપી છે.