• મંગળવાર, 30 જૂન, 2026

દરેક જીવમાં ભગવાન વસે છે

કાઠડા (તા. માંડવી), તા. 29 : આજના આધુનિક અને સ્વાર્થભર્યા સમયમાં જ્યાં ઘણા લોકો પોતાના જ માતા-પિતાને ભારરૂપ માની વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે, ત્યાં કાઠડા ગામમાંથી માનવતા, કરુણા અને નિસ્વાર્થ સેવાનો એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. કાઠડા ગામમાં `બબીમા' તરીકે ઓળખાતાં એક નિરાધાર અને માનસિક અસ્થિર વૃદ્ધ મહિલાની છેલ્લાં 10 વર્ષથી માતા સમાન સેવા કરી રહ્યા છે કમશ્રીબેન નારાણ કાનાણી (ગઢવી). આજના સમયમાં જ્યાં લોકો પોતાના પરિવારજનોની પણ સેવા કરવામાં પાછળ પડે છે, ત્યાં કમશ્રીબેન એક અજાણી અને નિરાધાર વ્યક્તિને પોતાના પરિવારના સભ્ય જેવી લાગણી અને પ્રેમથી સાચવી રહ્યાં છે. કમશ્રીબેન પોતે કોઈ આર્થિક રીતે બહુ સદ્ધર પરિવારમાંથી આવતાં નથી, છતાં તેમના મનમાં રહેલી સેવા અને કરુણાની ભાવનાએ તેમને આ કાર્ય માટે સમર્પિત બનાવ્યાં છે. સાચી સેવા માટે પૈસાથી વધારે જરૂરી છે નિખાલસ મન અને માનવતા `દરેક જીવમાં ભગવાન વસે છે' એ વિચારને હૃદયમાં રાખીને કમશ્રીબેન આ સેવા કરી રહ્યાં છે. ઘણીવાર બબીમાના અપશબ્દો સાંભળવા મળે છે, ક્યારેક તેઓ ગુસ્સે થઈને માર પણ મારે છે, છતાં તેઓ આ બધું એક માતાની સહનશીલતા અને કરુણાથી સહન કરે છે. ઉપરાંત બે ટંક ચાની સેવા હસમુખપુરી હરિપુરી ગોસ્વામી તથા હેમલતાબેન પ્રેમગર ગોસ્વામી દ્વારા નિસ્વાર્થ આપવામાં આવે છે. અગાઉ પણ `નવીમા' તરીકે જાણીતા એક વૃદ્ધની ત્રણથી ચાર વર્ષ સુધી સેવા કમશ્રીબેન દ્વારા કરવામાં આવી હતી. એટલે કે સેવા તેમના માટે માત્ર એક પ્રસંગ નથી, પરંતુ જીવનનો ધ્યેય અને સંસ્કાર છે.

Panchang

dd