પ. બંગાળ અને તામિલનાડુ વિધાન-સભાઓની ચૂંટણીનાં પરિણામ આવ્યા
પછી રાજકારણમાં ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. બંગાળ અને મહારાષ્ટ્રમાં વિપક્ષી છાવણી
- મોરચામાં મોટાં ગાબડાં પડયાં છે અને ભાજપ - એનડીએના ઉત્સાહમાં ભરતી આવી, 2029ની લોકસભાની
ચૂંટણી જીતવાનો આત્મવિશ્વાસ વધ્યો. વિજય ઉત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળનાં
સતત 12 વર્ષનો ઉત્સવ જોડાયો, પણ અચાનક એવી ઘટમાળ શરૂ થઈ કે વિપક્ષો આક્રમક
બન્યા. એમનામાં નવા પ્રાણ પુરાયા ! શિક્ષણથી લઈને પ્રાદેશિક રાજકારણમાં અસંતોષથી રોષ
- આક્રોશ જાગી ઊઠયો. આ સ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવા માટે અમેરિકાથી કૂદીને ભારત આવેલા
અભિજિત દીપકેએ `કોક્રોચ પાર્ટી'ની જાહેરાત કરી. અલબત્ત, રાજકારણમાં ઘણા કોક્રોચ ખદબદી રહ્યા છે - એક ઝાડુ છે, તેમાં પણ કોક્રોચ વળગ્યા છે ! કોણ કોની સફાઈ કરી શકશે ? હવે સૌને યુવા વર્ગની (અને પોતાનાં) ભવિષ્યની ચિંતા છે ! આ સ્થિતિમાં ઉચ્ચ
પરીક્ષાની ગેરવ્યવસ્થા અને ગોટાળાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્ય જોખમાયાં. કેન્દ્ર સરકારે
તાત્કાલિક નિર્ણય લઈને પરિસ્થિતિ સુધારી છે, પણ ભાજપ સરકારની
પ્રતિષ્ઠા ઝંખવાઈ છે. હવે ડેમેજ કંટ્રોલ કેટલો થાય છે તે જોવાનું છે. દરમિયાન નવી દિલ્હી,
લખનઉ અને કોલકાતામાં પણ મકાનો ધરાશાયી થયાંના અને ભયાનક આગમાં જાન -
માલની ખુવારી થયાની ઘટનાઓએ ઉમેરો કર્યો. આવી ઘટનાઓનાં મૂળ કારણમાં ભ્રષ્ટાચાર હોય જ.
ઊંચી ઇમારતોનાં બાંધકામ અને ગેરઉપયોગ ભ્રષ્ટાચારને આભારી છે. વિરોધીઓને આપત્તિમાં અવસર
મળ્યો - વડાપ્રધાનના મંત્ર - હું ખાતો નથી અને ખાવા દેતો નથી - ની યાદ અપાવવાનો! મહાનગરોમાં
કોક્રોચ પાર્ટી કરતાં કોંક્રિટ જંગલો પાછળના કોક્રોચ - ભ્રષ્ટાચારનો ભય મોટો છે ! વિકસિત
ભારતનાં નિર્માણના પાયામાં સફાઈ અનિવાર્ય છે. અને ભ્રષ્ટાચાર શિક્ષણમાં, સામાજિક સેવાઓમાં, જમીન અને રાજકારણમાં તો વાયરલ થયો
જ, પણ હવે ધર્મ - મંદિરમાં પણ પકડાયો છે. તિરુપતિ બાલાજીનાં મંદિરમાં
પ્રસાદના લાડુના વિવાદ પછી હવે અયોધ્યાનાં શ્રીરામમંદિરમાં `દાનપેટી'
અથવા મંદિરના ઉંબરા ઉપર અર્પણ થયેલી ભેટ - સોગાદ, નાણાં અને સોનાં - ચાંદીમાંથી થયેલી ઉચાપત પકડાઈ છે. આ ચોરી નથી, રામનામની લૂંટ છે. રોકડ રકમની ઉચાપત ગણી શકાય, પણ આ તો
કરોડો સનાતની - ધાર્મિક લોકોની શ્રદ્ધા ઉપર તરાપ છે. લૂંટનું પાપ છે. શ્રીરામે માતા
અને માતૃભૂમિને સ્વર્ગથી પણ ઉચ્ચ - મહાન કહી છે, એવી અયોધ્યા
નગરીમાં શ્રીરામનું નામ લૂંટવાનું આ મહાપાપ આચરવામાં આવ્યું છે. અપરાધીઓને તો સજા થવી
જ જોઈએ, પણ વ્યવસ્થામાં મહા-ખામી - ક્ષતિનાં કારણે ભવ્યાતિભવ્ય
અને દિવ્યથી પણ દિવ્ય રામમંદિરના ઇતિહાસમાં એક કાળો ડાઘ લાગ્યો છે. `રામભરોસે' વહીવટ થયો તે ભરોસો તૂટયો છે તેથી વ્યવસ્થાપકોએ
સુધરવાની અને સુધારા કરવાની જરૂર છે. આ લૂંટની ઘટના હવે રાજકીય મુદ્દો બની ગઈ છે !
અયોધ્યામાં રામમંદિરનો કાનૂની અને રાજકીય વિવાદ ઘણાં વર્ષો સુધી ચાલ્યા પછી આખરે ભાજપ
સરકારે મંદિર નિર્માણ કર્યું. રામનાં નામનો રાજકીય લાભ મળ્યો ને વિરોધીઓ હતાશ થયા અને
હિન્દુત્વ ઉપર હુમલા શરૂ થયા, પણ હકીકત છે કે રામનામે હિન્દુઓને
જગાડયા છે, પણ મુઠ્ઠીભર લોકોએ પોતાનાં સ્થાનનો ઘોર દુરુપયોગ કરીને
મહાપાપ આચર્યું છે. સવાલ નાણાં - ભ્રષ્ટાચારથી વિશેષ છે - એમણે લોકોની શ્રદ્ધા લૂંટી
છે. શ્રીરામનું નામ બદનામ કર્યું છે અને વિરોધીઓના હાથમાં મુદ્દો મૂક્યો છે ! કોંગ્રેસ,
સમાજવાદી પાર્ટી, `આપ'ના નેતાઓને
તો જાણે `સંજીવની' મળી ગઈ છે. રામનું નામ બદનામ કરીને રાજકીય લડત
શરૂ કરી છે ! હવે ભાજપ, આરએસએસ અને યોગી - મોદી સરકારની અગ્નિપરીક્ષા
છે. અપરાધીઓને સજા થાય, શક્ય હોય તો ટ્રસ્ટ બરખાસ્ત થાય અને ભેટ
- સોગાદોનું ઓડિટ જાહેર થાય. રામભરોસે નહીં, પણ સરકારના ભરોસે,
રામભક્તોના વિશ્વાસે વહીવટ થાય. સરકાર અને ટ્રસ્ટની પ્રતિષ્ઠા સાથે શ્રીરામ
નામ જોડાયું છે.
***
ભારતમાં કુલ આશરે 18 લાખ મંદિરો છે, તેમાં 33 હજાર વિશેષ
મંદિરો, બાવન શક્તિપીઠ અને 12 જ્યોતિર્લિંગ છે, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના અહેવાલ - અંદાજ અનુસાર
હિન્દુઓ ધાર્મિક યાત્રાઓ માટે વાર્ષિક $ 4.74 લાખ કરોડ ખર્ચે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ યાત્રાનાં
પરિણામે દેશભરમાં આઠ કરોડ લોકોને રોજી - રોટી મળી રહે છે અને તેમાં અમરનાથ અને વૈષ્ણોદેવીની
યાત્રાથી 90 ટકા મુસ્લિમોને રોજી મળે છે.
સોમનાથ મંદિરના યાત્રાળુઓથી 60 ટકા મુસ્લિમ
પરિવારોને રોજી મળી રહે છે ! ધર્મસ્થળો - મંદિરના દર્શનાર્થી - યાત્રીઓનાં કારણે એક
અલગ જ - નિશેષ અર્થતંત્ર છે. પુષ્પ - ફૂલ, અગરબત્તી, નાળિયેર - પ્રસાદ, બંગડી,
આભૂષણ, વત્રની પૂજાસામગ્રી વગેરેના વિક્રેતાઓના
પરિવારો નભી રહ્યા છે. એક નાનું મંદિર હોય તો પણ તેના આધારે પરિવારોના પચ્ચીસ સભ્યના
જીવનનિર્વાહ થઈ શકે છે. કાશીવિશ્વનાથ મંદિરનું ઉદાહરણ લઈએ તો ત્યાં વયસ્કો માટે વ્હીલચેરના
સેવકો દૈનિક હજાર રૂપિયા કમાઈ શકે છે. સુખડ કે કંકુના ચાંદલા - તિલક કરનારા રોજના 300થી 500 રૂપિયા મેળવે છે. હિન્દુ મંદિરોની
સરખામણીમાં ભારતમાં 3.5 લાખ મસ્જિદો
છે અને ઘણાં રાજ્યોમાં ઇમામ અને મૌલવીઓ રાજ્ય સરકારો પાસેથી પગાર મેળવે છે. કર્ણાટકમાં
તો હિન્દુ મંદિરો ઉપર ટેક્સ છે અને રાજ્ય સરકાર એક કરોડ રૂપિયા મેળવે છે. રાજ્યમાં
દોઢ લાખ મંદિરો છે અને સરકારનો `મુઝરલ' - ધાર્મિક વિભાગ છે, તેનાં
નિયંત્રણ હેઠળ 36 હજાર મંદિર
છે. ભારતમાં મુખ્ય - વિશેષ મંદિરોમાં તિરુમલા વ્યંકટેશ મંદિરમાં વાર્ષિક એક હજાર કરોડ, શિરડી સાંઈબાબા મંદિરમાં સેંકડો કરોડ રૂપિયા
રોકડ અને સોનાં - ચાંદીની ભેટ ધરાવાય છે. સુબ્રહ્મણ્યમ્ મંદિર - 168 કરોડ, વૈષ્ણોદેવી મંદિર, ગુરુવાયુર
મંદિર, અમૃતસરનું સુવર્ણ મંદિર વગેરેમાં પણ કરોડો રૂપિયાની ભેટ
- દાન મળે છે. મંદિરોની આવકથી હોસ્પિટલો, કોલેજો, સ્કૂલો ચાલે છે. યાત્રાળુઓ માટે રહેવા અને વિનામૂલ્યે પ્રસાદ - ભોજન વ્યવસ્થા
થાય છે. ધર્માદા મદદ અપાય છે. - શ્રી પદ્મનાભેશ્વરમ્ મંદિર - 1.2થી 1.5 લાખ કરોડ
- શ્રી તિરુમલા વ્યંકટેશ્વર મંદિર 2.2થી 3 લાખ કરોડ
- શ્રી સિદ્ધિવિનાયક મંદિર 100થી 150 કરોડ - શ્રી જગન્નાથ મંદિર 230થી 240 કરોડ.પુરીનાં જગન્નાથ મંદિરમાં કેટલી સંપત્તિ
- મિલકત હશે ? છેક વર્ષ 1978માં ગણતરી - હિસાબ થયો હતો, ત્યારે 600 કરોડ બેન્ક ડિપોઝિટ હતી. સોનાં
- ચાંદી કેટલી છે, કેટલી કિંમત
થવા જાય છે ? તેની જાણ કોઈને નથી. મંદિરના `રત્ન ભંડાર'માં 128 કિલો સોનાંના અલંકારો અને ચાંદીનાં વાસણ નોંધાયાં હતાં. શ્રદ્ધાળુઓ
જે સુવર્ણ દાન આપે તે જાહેરક્ષેત્રની - પબ્લિક બેન્કોમાં જમા થાય છે. ભગવાન જગન્નાથનાં
નામે 60,426 એકર જમીન ઓડિશામાં અને 395.2 એકર અન્ય રાજ્યોમાં છે. (મહારાષ્ટ્રમાં
28.2 એકર, બંગાળમાં 322.9 એકર, મધ્યપ્રદેશમાં 25.1, આંધ્રમાં 17, છત્તીસગઢમાં 1.7 અને બિહારમાં 0.3 એકર.) રાજ્ય સરકારના જગન્નાથ
ટેમ્પલ એક્ટ અનુસાર દર ત્રણ વર્ષે `ઇન્વેન્ટરી' થવી જોઈએ, જે મુજબ માત્ર 1926 અને 1978માં કાનૂનનું પાલન થયું. 2018માં રાજ્ય સરકારે પ્રયાસ કર્યો, પણ રત્ન ભંડાર - ખજાનાનાં તાળાં - ચાવીઓ ગુમ
હતી તેથી થઈ શક્યું નહીં. ચાવીનો ઝૂડો ગાયબ થયાના અહેવાલ પછી રાજકીય વિવાદ જાગ્યો હતો.
આખરે છ વર્ષ પછી રત્ન ભંડારના દરવાજા તોડવામાં આવ્યા અને દ્વાર ખુલ્યાં ત્યારે પટારાઓ
ઉપર કોઈ સાપ - નાગ બેઠા ન હતા, પણ અફવા - માન્યતા એવી હતી કે
જગન્નાથની સંપત્તિનું રક્ષણ નાગનાથ કરી રહ્યા છે. આવી માન્યતાનાં કારણે દ્વાર ખુલ્યાં
ત્યારે અગિયાર સપેરા - મદારીઓને સેવામાં તૈયાર ઊભા રખાયા હતા. રત્ન ભંડારમાં પાંચ મોટા
કબાટ, છ લાકડાંના પિટારા હતા. આ તમામ સંપત્તિની ગણતરી થઈ નથી,
પણ પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ આવે ત્યાં સુધી અલાયદા રૂમમાં છે. બારમી
સદીનાં આ મંદિરની આસપાસ કડક સલામતી બંદોબસ્ત છે. સ્ટ્રોંગરૂમમાં સીસીટીવી કેમેરા છે.
2024માં ભાજપે રત્ન ભંડાર ખોલવાનું
ચૂંટણીવચન આપ્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાન નવીન પટનાયકે ભંડારની ચાવી કેમ ગાયબ થઈ તેની
તપાસ માટે કોર્ટને જણાવ્યું હતું. આ પછી પંચે 324 પાનાંનો રિપોર્ટ આપ્યો હતો તે હજુ સુધી `ખાનગી'
રહ્યો છે !
***
શ્રીરામમંદિરનાં દેવદ્રવ્યની લૂંટની તપાસ ચાલે છે, ત્યાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવના
પરિવાર દ્વારા વર્ષ 2024-25 દરમિયાન
ઉજ્જૈનમાં 168 એકર જમીન ખરીદવામાં આવી અને
કુલ 335 એકર જમીનની માલિકી હોવાનો અહેવાલ
આવ્યા છે. ભાજપે મુખ્યપ્રધાનનો બચાવ કર્યો છે, પણ રાજકીય વિવાદ વધી રહ્યો છે.