વેનેઝુએલામાં વિનાશ વેરાયાની કલાકો પછી પણ કલ્પાંત છે, સ્તબ્ધતા છે. બહુ સ્વાભાવિક રીતે માણસોની આંખમાં
આંસુ અને મનમાં સૂનકાર છે. ક્ષણવારમાં પ્રલયનો સાક્ષાત્કાર થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતા સાથે ધરતી ફાડીને
વિનાશ ત્રાટક્યો અને મોટી ખુવારી થઈ છે. આગાહી તો સુનામીની પણ છે, પરંતુ દુર્ઘટનાના વર્તમાનમાંથી ભવિષ્યનો કોઈ
વિચાર કરવાની આ પ્રજાની અત્યારે ક્ષમતા નથી. કુદરતી કે માનવસર્જિત સંકટ સમયે સીધો જ
બજાર કે અર્થતંત્રનો વિચાર આવે તે કદાચ આજે વિશ્વ સ્તરે વિસ્તરેલી ઋગ્ણ્તા છે,
જે સ્થિતિ ત્યાં થઈ છે તે પછી વિચાર તો અનેક પ્રકારના કરવાના રહે છે.
દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલા નાના પણ રમણીય દેશની ચર્ચા છેલ્લે તો શાંતિ માટેના
નોબેલ પુરસ્કાર સંદર્ભે થઈ હતી. અત્યારે સમસ્ત વિશ્વની સહાનુભૂતિ આ દેશને સાંપડી રહી
છે. ઉત્તરે કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગરની જળરાશિ જ્યાં ઘૂઘવે છે તે વેનેઝુએલાનું
અર્થતંત્ર ક્રૂડ ઓઈલ-ખનિજ તેલ ઉપર આધારિત છે. ગુરુવારે આ વેનેઝુએલામાં કાળ ત્રાટક્યો
અને વિનાશક ધરતીકંપ થયો, જેને લીધે 250થી વધારે લોકોનાં મૃત્યુની
આશંકા છે. આભ સાથે વાતો કરતી ઈમારતો ક્ષણાર્ધમાં કાટમાળ બની ગઈ હતી. હજારો લોકો ઘાયલ
થયા છે. મૃત્યુઆંક તો હજુ કેટલો વધશે તે કહી શકાય તેમ નથી, જે રીતે ધરતી ધ્રૂજી છે તે જોતાં વેનેઝુએલાને
જલ્દી કળ વળે તેવી શક્યતા નથી. ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોની તંગી
અને ભાવમાં વૃદ્ધિ અનેક દેશો અનુભવી રહ્યા છે. વેનેઝુએલામાં ધરતીકંપને કારણે ઊર્જા
સંકટ ઊભું થવાની શક્યતા છે. જો કે, ભારતને તેની કોઈ અસર થવાની
નથી. ભારતે આ દુર્ઘટનાને એ દૃષ્ટિએ જોઈ પણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના
પછી તરત જ સંવેદના વ્યક્ત કરીને મુશ્કેલીના સમયમાં સંભવિત તમામ સહાય પૂર્ણ પાડવાની
ખાતરી આપી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ કહ્યું છે કે, ભારત
વસુધૈવ કુટુંબકમ્ની ભાવના સાથે વેનેઝુએલાની સરકાર અને ત્યાંની પ્રજાની સાથે મજબૂતીથી
ઊભું છે. ભારતે વેનેઝુએલાની સહાય માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય લશ્કરની
60 હોસ્પિટલના સદસ્યોની ટુકડી
રવાના કરાઈ છે. 200 દર્દીની તાત્કાલિક
સારવાર થઈ શકે તેવું આઇસીયુ તથા ઓપરેશન થિયેટર ઊભું કરી શકાય તેવી વ્યવસ્થા સાથે ટુકડી
પહોંચી છે. દવા અને અન્ય સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનાં વિમાન પહોંચ્યા છે. વિશ્વમાં
ક્યાંય પણ આવી મુસીબત આવે ત્યારે ભારત સરહદને બદલે અનહદમાં માને છે અને તેનો આ વધુ
એક પુરાવો છે. જે થઈ ગયું છે તે મિથ્યા નહીં થાય,
પરંતુ ફરીથી વેનેઝુએલા બેઠું થાય તેવી કામના ખરા અર્થમાં વિશ્વ બંધુત્વ
છે, ભારતે તેમાં પહેલ કરી છે.