• મંગળવાર, 30 જૂન, 2026

ગાંધીધામ ચેમ્બરનાં બંધારણમાં સુધારો કરી કમિટીની સંખ્યા 41 કરાઈ

ગાંધીધામ, તા. 29 : કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની અર્ધવાર્ષિક સામાન્ય સભા અને બંધારણના સુધારા માટે વિશેષ સામાન્ય સભા યોજાઈ હતી. આ દરમ્યાન વેપાર ઉદ્યોગ જગતને વધુ પ્રતિનિધિત્વ, મજબૂત સંગઠન અને વધુ સભ્યપદ ઉપલબ્ધ કરવા સહિતના નિર્ણયો યોજાયા હતા. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાપાલિકાના વિસ્તરેલા કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને સમગ્ર મહાનગરના વિસ્તારને વધુ વેપારીઓ, રિટેલર, યુવા ઉદ્યોગકારો અને સેવા ક્ષેત્રના વ્યાવસાયિકો ચેમ્બર સાથે જોડાઈ શકે તે માટે વાર્ષિક સભ્ય ફી 1000થી ઘટાડી રૂા. 700 કરાઈ છે. આ નિર્ણય આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવશે. વ્યાપાર ઉદ્યોગો, લોજિસ્ટિક, ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ, વિશિષ્ટ સલાહકારો સહિત વિવિધ વિષયોના નિષ્ણાતોનો અનુભવ ચેમ્બરની નીતિ નિર્ધારણ પ્રક્રિયામાં જોડાય તે માટે મેનેજિંગ કમિટીના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 25થી વધારીને 31 અને કો-ઓપ્ટ. સભ્યોની સંખ્યા આઠથી વધારીને 10 કરવાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી હતી, જેથી કુલ પ્રતિનિધિત્વ 33થી  વધીને 41 થશે. હાલના સભ્ય પદની સંખ્યા 3642 છે. મહાપાલિકાના હિસાબે 180 કિલોમીટરની ત્રિજિયામાં વ્યાપ વધતા મહાનગરના તેમજ કચ્છના નાના, મધ્યમ અને મોટા કદના વેપારીઓ ચેમ્બરનું સભ્યપદ મેળવી શકશે, તેવું ઉમેર્યું હતું. છેલ્લા છ મહિના દરમ્યાન ચેમ્બર દ્વારા કેન્દ્ર, રાજ્ય સ્તરે કરાયેલી રજૂઆતો, મેળવેલી સફળતાઓ અને કચ્છના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રયાસોની તેમણે વિસ્તૃતમાં માહિતી આપી હતી. માનદમંત્રી મહેશ તીર્થાણીએ ચેમ્બર હસ્તક થયેલા વિકાસલક્ષી કાર્યો, પહેલો અને વિવિધ સમિતિઓની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, બંધરાણ સુધારાના પરિણામે ચેમ્બરની નિર્ણય પ્રક્રિયા વધુ લોકશાહી, પારદર્શક અને સર્વસમાવેશક બનશે. ઉપપ્રમુખ દીપક પારખે કહ્યું હતું કે, સભ્ય ફીમાં આપેલી રાહતનો  મુખ્ય હેતુ નાના વેપારીઓ, ટ્રેડર્સ, સ્ટાર્ટ-અપ અને યુવા ઉદ્યોગકારોને ચેમ્બરના મુખ્ય પ્રવાહની પ્રવૃત્તિ સાથે જોડવાનો છે. સભ્યોએ ચેમ્બરની કાર્યપદ્ધતિને બિરદાવી હતી. બેઠકમાં સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખો બચુભાઈ આહીર, પારસમલ નાહટા, મહેશ પુજ, કારોબારી સભ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd