પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર-જમ્મુના લોકો ઉપર થયેલા દમન-હત્યાકાંડની
ભારતે આપેલી પ્રતિક્રિયા સમયસરની અને આવશ્યક છે. પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30 લોકોનાં મૃત્યુ થયાં, અનેક લોકો ઘાયલ થયા. અમાનુષી, અત્યંત બર્બર એવાં કૃત્ય બદલ પાકિસ્તાને અનેક લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી
દીધા. પાકિસ્તાનની સરકાર સામે લોકોનો જે અસંતોષ છે તેને ડામવા અત્યાચાર થાય છે. ગયા
વર્ષના અૉક્ટોબરમાં પાકિસ્તાન સરકારે મુઝફ્ફરાબાદના લોકોની સમસ્યાનો હલ લાવવાના વાયદા
કર્યા હતા તે પોકળ સાબિત થયા છે. પાયાની સુવિધાનો અભાવ, વધતી
મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ધૈર્ય ગુમાવી ચૂકી છે અને આવું પ્રથમવાર
નથી. પાકિસ્તાન કબજાગ્રસ્ત આ ભારતીય ભૂભાગમાં વસતા લોકો પોતાની ઉપેક્ષા અને દુર્દશાથી
ત્રસ્ત થઈને ઉશ્કેરાઈ ગયા હોય તેવું અગાઉ પણ બન્યું છે. જ્યારે જ્યારે તેમણે આવું કર્યું
ત્યારે તેમને સમસ્યાના ઉકેલને બદલે ફક્ત અત્યાચાર મળ્યો છે. કબજાગ્રસ્ત ભારતના કુદરતી
સંશાધન, સંપદાનો ઉપયોગ તો કરે છે, પરંતુ
પાયાની સુવિધા ઉપલબ્ધ નથી કરાવતા. કાશ્મીર સમસ્યાને સતત જીવંત રાખવા માટે પાકિસ્તાન
પોતાની ધરતી ઉપર વસતા લોકોની સુખાકારીની ઉપેક્ષા કરે છે. હવે એ સમય છે કે ભારતે ફક્ત
આ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર માટે ચિંતા જ કર્યા કરવાને બદલે નક્કર પગલાં પણ લેવાં
જોઈએ, આ જ ત્યાંના લોકોની અપેક્ષા છે. બ્રિટનના સાંસદોએ આ ઘટનાની
ચિંતા વ્યક્ત કરી, પરંતુ યુરોપીય સમુદાયના અન્ય દેશો અને વિશેષ
તો અમેરિકા તદ્દન મૌન છે. ભારતીય ક્ષેત્ર ઉપર પાકિસ્તાનનો આ અનધિકૃત કબજો છે તે વારંવાર
ભારતે વિશ્વને ગાઈ-વગાડીને કહેવું જોઈએ. પાકિસ્તાન ઉપર આ પ્રકારનું દબાણ સતત વધતું
રહેવું જોઈએ. અફઘાનિસ્તાન સાથે ભારતનો સીધો સંપર્ક નથી થઈ શકતો તેનું કારણ પણ એ છે
કે આ ક્ષેત્ર ઉપર પાકિસ્તાનનો કબજો છે. અલબત્ત, અૉપરેશન સિંદૂર
વખતે પાકિસ્તાન ધ્રુજી ગયું હતું ત્યારે પણ ભારતમાં તો એવી ચર્ચા હતી કે આ વખતે તો
પીઓકે પાછું લઈ લેવાશે. પઠાણકોટ-ઉરી, પહેલગામ પછી જે કાર્યવાહી
થઈ તે જોતાં ભારત સરકારે આપણા કાશ્મીર વિસ્તારને પાછું મેળવવું જોઈએ અને કાશ્મીરીઓને
પાકિસ્તાની અત્યાચારથી મુક્ત કરવા જોઈએ.