• શુક્રવાર, 12 જૂન, 2026

માંડવી બાજુની વાડીઓમાં હાથ મારતી ટોળકી જબ્બે

ભુજ, તા. 11 : માંડવી બાજુની વાડીઓમાંથી ઝટકા મશીન, સોલાર અને બેટરી ઉપરાંત ગોધરાની વાડીમાંથી કેસર કેરીની તસ્કરી કરનારી ટોળકીને એલસીબીએ ઝડપી લીધી છે. આ ઉપરાંત ખાવડા બાજુના આર.ઈ. પાર્કની કંપનીમાંથી બસબાર, વાયર અને નટ-બોલ્ટની ચોરી કરનારા બે શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.  એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગોધરા બાજુ પહોંચતા ખાનગી બાતમી મળી હતી કે, ગોધરાનો વિનોદ લક્ષ્મણ જાલાવાડા (પટણી) તેના મળતિયાઓ સાથે ઈલેક્ટ્રિક ઝટકા મશીન તથા કેરીનાં કેરેટ લઈ ગોધરાની નદી કિનારે સગેવગે કરવાની ફિરાકમાં ઊભા છે. બાતમી પરથી વિનોદ ઉપરાંત નવુભા રતનજી સોઢા, ગોવિંદ જયંતી ફરવાવાડા (પટણી), સચિન કાંતિભાઈ પટણી (રહે. ચારે ગોધરા, તા. માંડવી)ને બે ઝટકા મશીન, બે બેટરી, બે સોલાર પ્લેટ તથા 29 કેરેટ સાથે ઝડપી પૂછપરછ કરતાં એકાદ માસ અગાઉ મોટા લાયજાની બે વાડીમાંથી આ સામગ્રી ચારેયે ચોરી હતી અને કેસર કેરીનાં કેરેટ અમરત બાવાજીની ગોધરાની સીમમાં આવેલી વાડીમાંથી અમે ચાર ઉપરાંત તોસીફ મેમણ (ગોધરા) સાથે તેની બોલેરોમાં ભરીને ચોરી કરી હતી. આ કેસર કેરી ચોરીની ફરિયાદ માંડવી પોલીસે નોંધાઈ છે, જેનો ભેદ ઉકેલાયો છે. ચારેને રોકડા રૂા.40,000, બે ઝટકા મશીન રૂ.16,000, 29 ખાલી કેરેટ કિં.રૂા. 4350 અને ચાર મોબાઈલ કિં.રૂા. 40,000 એમ કુલ રૂા.1,00,350ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે, જ્યારે તોસીફને પકડવાનો બાકી છે. આ ઉપરાંત ખાવડાના આર.ઈ. પાર્કમાં સ્ટર્લિંગ વિલ્સન કંપનીમાંથી થયેલી ચોરીનો ભેદ પણ એલસીબીએ ઉકેલી લીધો છે. બાતમીના આધારે વેકરિયા રણ અંદર આવેલા કાચા રસ્તેથી બોલેરોમાં ચોરાઉ માલ ભરીને આવતા અનસ સાલે સમા (મોટા દિનારા) અને જાનમામદ ઉર્ફે જાની ઈબ્રાહિમ સમા (ધ્રોબાણા)ને ઝડપી કોપર પટ્ટી અને નટબોલ્ટ અંગે પુછતાં જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં અમે બન્ને તથા સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ સમા  (રહે. મોટા તા. ભુજ)એ  સાથે મળી આર.ઈ. પાર્કમાં ચાલતાં સોલાર કામના સ્ટોર પરથી આ ચોરી કરી હતી. બોલેરો નં. જીજે-33-ટી-1709 કિં. રૂા. ત્રણ લાખ, કોપર પટ્ટી, નટબોલ્ટ કિં.રૂા. 3.10 લાખ એમ કુલ રૂા. 6.10 લાખના મુદ્દામાલ સાથે બન્નેને ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. જ્યારે સુલેમાનને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

Panchang

dd