કોટડા (ચકાર), તા. 11 : તાલુકાના ભુજોડી પાટિયા નજીક આવેલા ભુજોડી ઓવરબ્રિજ પર આજે વહેલી
સવારે એક બોલેરો વાહન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બ્રિજ પર લાંબા
સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો
મુજબ બોલેરો વાહનના ચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહન અચાનક પલટી મારી ગયું
હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં
લેવા માટે કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની ન હોવાનું
જાણવા મળ્યું છે. જો કે, બોલેરો વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું
હતું. અકસ્માત બાદ બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી પલટી ગયેલાં વાહનને રસ્તા પરથી હટાવી ટ્રાફિક માટે માર્ગ
ખુલ્લો કરાવ્યો હતો. સાથે જ ટ્રાફિકનું નિયમન કરી વાહનને રસ્તાની બાજુએ ખસેડવામાં આવ્યું
હતું.