• શુક્રવાર, 12 જૂન, 2026

ત્રણ દિ'માં ત્રણ જહાજ પર હુમલા, ત્રણ ભારતીયનાં મોત

નવી દિલ્હી, તા. 11 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન ત્રણ દિવસમાં ભારતીય ક્રૂ ધરાવતા ત્રીજા જહાજ ઉપર હુમલો થયો છે અને અગાઉના હુમલામાં ત્રણ ભારતીયનાં મોત થયાં છે ત્યારે બેફામ અમેરિકા સામે નારાજી દર્શાવીને ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, અમારા નાવિકોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરાશે નહીં. હુમલા રોકવામાં આવે, આ હુમલા અત્યંત ચિંતાજનક છે. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હુમલાની વાત સ્વીકારીને કહ્યું હતું કે, ઈરાનથી તેલ લઈ જવાની કોશિશ કરનારા ગિની-બિસાઉના ઝંડાવાળા એમ-ટી જલવીર જહાજ પર અમે બે હેલફાયર મિસાઈલ દાગી છે. ઓમાનના શિનાસ પોર્ટ પાસે એમ-ટી જલવીર નામના જહાજને નિશાન બનાવવામાં આવતાં તેમાં આગ લાગી હતી. આ જહાજમાં 20 ભારતીય સવાર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બુધવારે એમ-ટી સેટ્ટેબેલો ઉપર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં લાપતા બતાવવામાં આવેલા ત્રણ  ભારતીય નાવિકના મૃતદેહ મળી આવ્યા છે. કેન્દ્રીય પોર્ટ, શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનામાં ભારતીયના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ભારતીય ક્રૂ ઉપર થઈ રહેલા હુમલા બાદ ભારત સરકારે અમેરિકી રાજદૂતને તલબ કર્યા હતા અને ચિંતા વ્યક્ત કરી હતી તેમજ જહાજો ઉપરના હુમલા તરત જ બંધ કરીને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.  ગુરુવારે ભારતીય ક્રૂ સાથેના જહાજ એમ-ટી જલવીર ઉપર હુમલો થયો હતો અને તેનાથી આગ લાગી હતી. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટ માહિતી સામે આવી નહોતી. આ મામલે ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે બનાવ અંગે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અગાઉ બુધવારે ઓઈલ ટેન્કર એમટી સેટ્ટેબેલો ઉપર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ ભારતીયનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે. આ બનાવ અંગે અમેરિકી સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, સેટ્ટેબેલો ઈરાની ઓઈલ લઈને જઈ રહ્યું હતું. જહાજ દ્વારા ચેતવણીઓને નજરઅંદાજ કરવામાં આવી રહી હતી, જેનાં પરિણામે  હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ ભારતીયનાં મૃત્યુ થયાં હતાં. ભારત સરકારે પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને ભરોસો આપ્યો હતો કે, બનાવમાં જીવ ગુમાવનારા ભારતીય નાવિકના પરિવારોને દરેક શક્ય સહાય અને સહયોગ કરવામાં આવશે. મૃતકોનાં નામ આદિત્ય શર્મા, શિવાનંદ ચૌરસિયા અને પટનાલા સુરેશ છે.  સેટ્ટેબેલો ઉપર હુમલો અઠવાડિયામાં બીજો બનાવ હતો, જેમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજને અમેરિકા દ્વારા નિશાને લેવામાં આવ્યું છે. આ અગાઉ સોમમવારે ઓઈલ ટેન્ક ધ મેરિવેક્સ ઉપર અમેરિકાએ હુમલો કર્યો હતો, જેમાં 24 ભારતીય નાવિક સવાર હતા. બાદમાં ઓમાનની સેનાએ તમામને સુરક્ષિત બચાવી લીધા હતા.  

Panchang

dd