• રવિવાર, 19 એપ્રિલ, 2026

મહિલા અનામત : હવે જનતાની અદાલતમાં

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા આરક્ષણના મુદ્દે વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષો માટે ગંભીર કસોટીની સ્થિતિ ઊભી કરી છે. મોદી જાણતા હતા કે આરક્ષણનો પ્રસ્તાવ લોકસભામાં મંજૂર થાય નહીં તો પણ રાજકારણમાં લાભ છે ! મહિલા વોટ બેન્ક વધુ મજબૂત - શક્તિશાળી બનશે. જ્યારે બીજી બાજુ, વિરોધ પક્ષો સહકાર આપે નહીં તો મહિલા મતદારોની નારાજગીનો સામનો કરવો પડશે ! સહકાર આપે તો પણ યશ મોદી સરકારને મળશે. મોદીએ આરક્ષણની બેધારી તલવાર વાપરી છે ! વિરોધ કરવામાં તામિલનાડુના ડીએમકે મુખ્યપ્રધાન એમકે સ્ટાલીને આગેવાની લીધી અને ઉત્તર ભારત - દક્ષિણ ભારતનો `અલગતાવાદ' ફરીથી જગાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ, લાલુનું જનતા દળ અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી મોદીનો વ્યૂહ બેધારી તલવાર પારખવામાં નિષ્ફળ ગયા છે. વિપક્ષી નેતાઓ ભૂતકાળનો ઇતિહાસ જાણતા નથી અને જાણવાનો પ્રયાસ પણ કરતા નથી અને ઇતિહાસ ભૂલવા માગતા હોય તેવા લોકોનું ભવિષ્ય શું ? સંસદમાં ઠરાવ નામંજૂર થયા પછી હવે આ વિવાદ જનતાની અદાલતમાં જાશે. વડાપ્રધાને લોકસભામાં વિરોધીઓને ઇતિહાસની યાદ અપાવી. મહિલા આરક્ષણની ચર્ચા તો ત્રણ દાયકા - ત્રીસ વર્ષથી થાય છે, પણ વર્ષ 2010માં યુપીએ સરકાર હતી ત્યારે મહિલા આરક્ષણના ખરડા રજૂ થયા ત્યારે લાલુ યાદવનાં રાષ્ટ્રીય જનતા દળ તથા અખિલેશ યાદવના સમાજવાદી પક્ષે વિરોધ કર્યો. (તે સમયે નીતીશકુમારનું ભાષણ. આ લખનારાના કાનમાં હજુ પડઘા પાડે છે : એમણે મહિલાઓ માટે `બાલ કટી લડકીઓ' વિશેષણ વાપરીને રાજકારણમાં શું કામ છે ? કહ્યું હતું ! આજે એમનું `હૃદય પરિવર્તન' થયું છે !) ત્યારે ડીએમકેને હજુ સિંહાસન ડોલવાની ચિંતા ન હતી ! પણ કોંગ્રેસે - જેના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી છે - નમતું જોખ્યું : ઠરાવ પડતા મૂક્યા ! મોદીએ વિરોધ કરનારા પક્ષોને ચેતવ્યા પણ ખરા કે મહિલાઓનાં આરક્ષણનો વિરોધ કરનારાઓને મહિલાઓ કદી માફ કરતી નથી. એમની હાલત બગડતી જ જાય છે. વિરોધ પક્ષોની ફરિયાદ છે કે મોદી અવસર જોઈને આગળ વધ્યા છે. ચૂંટણીમાં આજે અને 2029માં પૂરો લાભ મેળવવો છે. આ ફરિયાદ છે કે બળાપો ? મોદીએ અવસર પકડયો, પણ વિરોધીઓ અવસર ચૂકી ગયા. અવસર ચૂક્યા મેહુલા ? મહિલાઓ તથા સમગ્ર દેશ સમક્ષ મોદીએ સંસદનાં પવિત્ર સ્થાનેથી ગેરંટી - (વચન ?) આપ્યું કે એકપણ રાજ્યને અન્યાય નહીં થાય. ભેદભાવ નહીં રખાય અને નિયમ મુજબ બેઠકોની સંખ્યા વધશે. `તમારે ગેરંટી જોઈએ તો તે આપું છું. વચન માગતા હો તો આપ્યું. તમિલભાષામાં ગેરંટી માગતા હો તો તે પણ આપવા તૈયાર છું.' મોદી હજુ આગળ વધ્યા : અમને - ભાજપ એનડીએ સરકાર યશ ખાટી જશે એવી શંકા છે તો હું સરકારી ખર્ચે જાહેર ખબર આપવા તૈયાર છું કે `અમારા સૌનો (`મારો' નહીં) પ્રયાસ સફળ થયો છે ! આપણી સાંસ્કૃતિક જવાબદારી છે. આપણો દેશ લોકશાહીની જન્મદાતા - માતા છે. 30 વર્ષ પછી પણ હવે આપણે આ વિલંબ બદલ પશ્ચાત્તાપ કરવાનો સમય છે.' `નારીશક્તિ વંદન અધિનિયમ' હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે `અનામત' રાખવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે. વીતેલાં સપ્તાહમાં મહિલા આરક્ષણ માટે સંવિધાનમાં સુધારા કરવા માટે લોકસભાનું વિશેષ સત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવ્યું હતું. આમ તો મહિલા આરક્ષણની ચર્ચા જાહેરમાં શરૂ થઈ જ હતી, પણ વિશેષ સત્ર પછી વિરોધ પક્ષો મોદી સરકાર સામે આક્રમક બન્યા છે. એમનો આક્ષેપ છે કે મહિલા આરક્ષણનાં નામે વડાપ્રધાન મોદી 2029ની ચૂંટણીમાં આસાન બહુમતી મેળવવા માગે છે. અત્યારે પણ તામિલનાડુ, પ. બંગાળ અને કેરલમ વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓની વિશાળ શક્તિશાળી વોટ બેન્ક ઊભી કરી છે. મહિલા આરક્ષણ - હુકમની રાણીનું પત્તું ટ્રમ્પ કાર્ડ છે અને મમતા બેનરજી માટે પણ ગંભીર પડકાર છે ત્યારે વિરોધ પક્ષોને ભય છે કે 2029ની લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા અશક્ય હશે અને પછી મોદી માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું મેદાન પણ મોકળું હશે. આ ભય પારખીને કોંગ્રેસ તથા દક્ષિણનાં રાજ્યો ચોંકી ઊઠયાં છે. હવે ઉત્તર - દક્ષિણ ભારતનો વિવાદ આક્રમક બનાવીને આંદોલન જગાવવાની ધમકી આપી રહ્યા છે. તામિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલીન કહે છે કે તેઓ ડીએમકેના પ્રમુખ પણ છે. સમસ્ત દેશના લોકોએ કદી નહીં જોયું હોય એવા આંદોલન - સંઘર્ષ માટે અમે તૈયાર છીએ ! ભૂતકાળમાં 1960ના દાયકામાં હિન્દીભાષા વિરોધી આંદોલન મદ્રાસ (હવે તામિલનાડુ)માં ભારે હિંસક બન્યું હતું, ત્યારે કોંગ્રેસ પક્ષને રાજ્યવટો - રાજ્યમાંથી નિકાલ થયો જે આજ સુધી ચાલે છે ! આવાં આંદોલનનું પુનરાવર્તન કરવાની ધમકી છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતનાં અન્ય રાજ્યોને પણ સાથે રાખીને અશાંતિ જગાવવાની ગર્ભિત ધમકી છે. મહિલા આરક્ષણ માટે સંવિધાનમાં સુધારા કરવાની ઉતાવળ - અધીરાઈ શા માટે ? એવો પ્રશ્ન વિરોધ પક્ષોનો છે. એમની શંકા અને આક્ષેપમાં તથ્ય છે ! રાજકારણમાં સમય - મોકો મહત્ત્વનો હોય છે. અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લાભ થાય તેવી ગણતરી છે અને તેથી ફરિયાદ - બળાપો ભલે થાય, પણ મહિલા આરક્ષણનો નિર્ણય ખોટો નથી. ઇન્દિરા ગાંધીએ પણ કોંગ્રેસનાં ભવ્ય ભંગાણને વાજબી ઠરાવવા તથા એકહથ્થુ સત્તા મેળવવા માટે ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને માજી રાજવીઓના વિશેષ અધિકાર - સાલિયાણાં રદ કર્યાં. સંવિધાન વચનનો ભંગ ર્ક્યો હતો કે નહીં ? ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું ! બેન્કોના લોકમેળા -લોનમેળા થયા હતા કે નહીં ? અવસર જોઈને આગળ વધે તે સફળ થાય. મોદી પણ મહિલા આરક્ષણનો લાભ અત્યારની ચૂંટણીમાં શા માટે ગુમાવે ? વિરોધ પક્ષોના બળાપા સ્વાભાવિક છે. આ પછી 2029ની લોકસભામાં મહિલા આરક્ષણની અસર કેવી પડી શકે ? અત્યારે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 530 અને કેન્દ્રશાસિત પ્રદેશોના સભ્યોની સંખ્યા 20 છે. તે વધીને અનુક્રમે 815 અને 35 થાય. કુલ 850 સભ્ય. લોકસભાના 850 સભ્યમાં ઉત્તર ભારતના - હિન્દીભાષી રાજ્યોના સભ્યોની સંખ્યા 366 થઈ જાય. અત્યારની લોકસભામાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીના મળીને 207 સભ્ય છે, તે વધીને 366 થઈ શકે. આની સરખામણીમાં દક્ષિણ ભારતનાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરલમ અને પુડ્ડીચરીના કુલ મળીને અત્યારે 132 સભ્ય છે તે વધીને 195 થઈ શકે. આથી દક્ષિણનાં રાજ્યોનો `અવાજ' -  વગ ઘટે એવી ફરિયાદ છે ! પણ સભ્યસંખ્યા તો વધે છે. લોકસભાના મતવિસ્તાર 2011ની વસતિ ગણતરીના આધારે નક્કી થશે. આ `સીમાંકન' માટે નવું વસતિ ગણતરી પંચ નિમાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા પ્રવૃત્ત ન્યાયાધીશ અધ્યક્ષપદે તથા મુખ્ય ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્યના ચૂંટણી કમિશનર એમ ત્રણ સભ્યનું પંચ બનશે. દરેક રાજ્યના 10 સંયોજિત સભ્ય હશે, જેમાં લોકસભાના સ્પીકર નીમે તે પાંચ સંસદસભ્ય તથા પાંચ વિધાનસભ્ય પણ હશે. વસતિ ગણતરી પંચને સિવિલ કોર્ટ જેવી સત્તા હોય છે. સાક્ષીને બોલાવી શકે અને મહત્ત્વના દસ્તાવેજો મગાવીને તપાસી શકે. આમ, જનતાની રજૂઆત, ફરિયાદ સાંભળ્યા પછી આખરી અહેવાલ જાહેર કરી શકે, જે કાયદા સમાન ગણાય. અત્યારે જે સુધારા થયા છે, તે વર્ષ 2011ની વસતિ ગણતરીના આધારે છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકારે ગણતરીપૂર્વક 2011 ઉપર આધાર રાખ્યો છે અને કોરોનાનું બહાનું બતાવીને 2021માં ગણતરી મુલતવી રાખી છે. ક્રમાનુસાર 2026 - 27માં ગણતરી થવાની રાહ જોવાય તો મહિલા આરક્ષણ મુલતવી રાખવું પડે અને 2029માં તેનો લાભ મળે નહીં ! વિરોધ પક્ષોના આક્ષેપ છતાં મોદી આવો અવસર ગુમાવે ખરા ? - મહિલાઓને પુરુષ સમાન અધિકાર આપવામાં આવે અને અન્યાય દૂર થાય તેવી નીતિ અનિવાર્ય છે. આપણા દેશમાં પંચાયતોમાં મહિલા આરક્ષણનો કાનૂની પ્રબંધ છે, પણ હવે આગળ વધવાનો અવસર છે. ઓસ્ટ્રેલિયામાં તો સશત્ર સેનાના વડા તરીકે મહિલાની નિમણૂક થઈ છે. કોર્પોરેટ જગતમાં તો મહિલાઓ અગ્રિમ છે જ. રાજકારણમાં - ઇઝરાયલમાં શ્રીમતી ગોલ્ડા મૈર અને શ્રીલંકામાં શ્રીમતી સીરીમાવો ભંડારનાયક પછી ભારતમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાનપદે રહી ચૂક્યાં છે. રાષ્ટ્રપતિપદે મહિલા પ્રતિભાદેવી હતાં, ત્યારે `રાષ્ટ્રપતિ' કહેવાય કે નહીં એવો પ્રશ્ન હતો. આખરે ઠરાવાયું કે `પદ' રાષ્ટ્રપતિનું છે ! સર્વોચ્ચ અદાલતમાં પણ મહિલા ન્યાયાધીશ છે તો સંસદ અને વિધાનસભાઓમાં મહિલા -આરક્ષણનો વિરોધ શા માટે

Panchang

dd