ભુજ, તા. 18 : અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગર
સૂરિશ્વવરજી મ.સા.ના આશિર્વાદથી કવિન્દ્રસાગરસૂરિશ્વવરજી મ.સા.ના રજત વર્ષીતપની અનુમોદનાર્થે
ભુજમાં 58 તપસ્વી વર્ષીતપની આરાધના કરી
રહ્યા છે, જેના ઇક્ષુરસનાં પારણા પ્રસંગે સમગ્ર કચ્છનાં
તપસ્વી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર
ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા ઊજવાશે. અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘના ઉપક્રમે ભુજ અચલગચ્છ
જૈન સંઘ આયોજિત વર્ષીતપ પારણોત્સવ મહોદયસાગરસૂરિશ્વવરજી મ.સા., ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ.સા. આદિ શ્રમણ-શ્રમણીવૃંદની ઉપસ્થિતિમાં ઊજવાઈ
રહ્યો છે. તપસ્વીઓનો વરઘોડો તા. 19 સવારે 8-30 કલાકે ચિંતામણિ
પાર્શ્વનાથ જિનાલય વાણિયાવાડ ડેલાથી નીકળશે. જે હસ્તીનાપુર નગરી ડોસાભાઇ લાલચંદ જૈન મહાજનવાડી મધ્યે પહોંચશે. હસ્તીનાપુર નગરીનો
લાભ ભાગ્યવંતીબેન અમૃતલાલ માવજીભાઇ ઘીવાલા પરિવાર હસ્તે રીટાબેન ચંદ્રકાંત શાહ (ભુજ-ગાંધીધામ)
પરિવારે લીધેલો છે. સવારે 11 કલાકે વર્ષીતપના
તપારાધકોને શ્રેયાંસકુમાર બની ઇક્ષુરસથી પારણા કરાવવાનો લાભ અર્નિકા તથા રિચાબેન દર્શીતભાઇ
દેસાઇ પરિવાર (યુએસએ) ઇન્દીરાબેન મગનલાલ શાહ વર્ધમાનનગર પરિવારે, વિશ્રુતભાઇ સુરેશભાઇ શાહનાં વર્ષીતપની અનુમોદનાર્થે
લીધેલ છે. બપોરે 12-30 કલાકે સામૂહિક
વર્ષીતપ ભુજના આરાધકો દ્વારા સકલ જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું નવકારશી જૈન ગુર્જરવાડી
વાણિયાવાડ મધ્યે યોજાયું છે. દરમ્યાન ભુજના
ટાઉનહોલ ખાતે રાત્રિ કાર્યક્રમમાં જૈન સમાજના કલાકારોએ નાટિકા તેમજ નૃત્ય, રાસ રજૂ કર્યા હતા. આ અવસરે દાતા પરિવારોનું
અચલગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા બહુમાન કરાયું હતું. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન
ડો. મોહિત શાહે કરેલું. ડો. મોનિલ શાહ, ધારાબેન તથા સર્વે કાર્યકરો
કાર્યક્રમનાં આયોજનમાં સહભાગી બન્યા હતા. સિદ્ધાચલ ભાવયાત્રા પૂજન સરસ્વતીબેન ચમનલાલ
શાહ તથા ચંદનબેન નાનાલાલ દેવશી શાહ પરિવાર દ્વારા યોજાયું હતું. ભુજ અચલગચ્છ જૈન સંઘ
દ્વારા સંગીતના સથવારે તપસ્વીઓનાં તપની અનુમોદના કરી તેઓનું બહુમાન કરાયું હતું. વિધિવિધાન
દીપકભાઇ કોઠારીએ જ્યારે સંગીતની રજૂઆત વંદિત સુખિયા અને શાસન શાહે કરી હતી. કાર્યક્રમને
સફળ બનાવવા મહેન્દ્રભાઇ ડી. શાહ, ભરતભાઇ બી. શાહ, ચંદ્રકાંતભાઇ કે. વોરા, દીપકભાઈ એન. શાહ, ભરતભાઇ સી. શાહ, રાજેશ સી. શાહ, હર્ષદભાઇ બી. શાહ, તેજભાઇ એચ. શાહ, પુનિતભાઇ પી. શાહ સહિત ટ્રસ્ટીગણ તથા ગચ્છના આગેવાનો સર્વે કાર્યકર ભાઇ-બહેનો
જહેમત ઉઠાવી રહ્યા છે.