• રવિવાર, 19 એપ્રિલ, 2026

કચ્છ યુનિ.માં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ચાલુ કરાશે

ભુજ, તા. 18 : કચ્છ યુનિવર્સિટી અને નુપૂર નૃત્યના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી કોર્ટ હોલ ખાતે નૃત્ય એટલે શું એ વિષય પર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. પારૂલ શાહે  નૃત્યના વિભિન્ન પહેલુ પર પ્રકાશ પાડયો હતો. કુલપતિએ યુનિ.માં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસનો કોર્સ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. કચ્છ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના પ્રો. ડો. કાશ્મીરા મેહતાએ  પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વક્તાનો પરિચય અને ટોક શોની પૂર્વભૂમિકા પ્રો. વૈશાલી સોલંકીએ આપી હતી.  કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે પ્રમુખ સ્થાનેથી જણાવ્યું કે, આવનારા સમયમાં કચ્છ યુનિવર્સિટીમાં આવા કાર્યક્રમોનું આયોજન થતું રહેશે અને કચ્છ યુનિવર્સિટીમાં પણ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ પણ ચાલુ થશે. મુખ્ય વક્તા પ્રો. ડો. પારૂલ શાહ દ્વારા ચર્ચા દરમિયાન નૃત્યની બારીકી વિશે સમજ અપાઈ હતી અને સમજાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે નૃત્ય શૈલીમાં જ રહીને પણ નવા પ્રયોગ કરી શકાય છે અને પરંપરાગત રીતે મળતી શાસ્ત્રીય નૃત્યની તાલીમને પાયો બનાવીને કઈ રીતે એમાં નવી વસ્તુ ઉમેરી  શકાય છે.  સુમા મોહન, ધારા શાહ, નિરાલી પંડયા, બાગેશ્રી ચંદે, કિન્નરી ચંદે, ઉત્તરા અંજારિયા, પલ્લવી રાઠોડ, રાધિકા ટાંક, દેવાંશી સોમપુરા, સ્વાતિ સોમપુરા, હિતેન ચાવડા, આશના બારમેડા અને રિયા બારમેડા જેવા નૃત્યગુરુએ પોતાના શિષ્યો સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કૃપલ ત્રિવેદીએ કર્યું હતું. 

Panchang

dd