• શનિવાર, 28 માર્ચ, 2026

લાકડિયા નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ પકડી પાડયો

ગાંધીધામ, તા. 27 : ભચાઉના લાકડિયા નજીક પીપરાપાટી ત્રણ રસ્તા પાસે પોલીસે એક શખ્સનો ફિલ્મી ઢબે પીછો કરી અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂા. 1,71,600નો શરાબ જપ્ત કર્યો હતો, પણ આરોપી નાસી ગયો હતો તેમજ ગાંધીધામમાં દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. લાકડિયાની સ્થાનિક પોલીસ રાધનપુર - સામખિયાળી ધોરીમાર્ગ જૂના કટારિયા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમ્યાન રાધનપુર બાજુથી આવતી સફેદ કારને ઊભી રખાવતાં કારચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો. દરમ્યાન આ કાર પીપરાપાટી ત્રણ રસ્તા પહેલા નવા બનતા ઈન્ડિયન ઓઈલના પંપ સામે નવા બનતા રોડ ઉપર રાખેલ સિમેન્ટની ઈંટો સાથે અથડાઈ હતી. બાદમાં તેનો કારચાલક નીકળીને નાસી ગયો હતો. પોલીસ અહીં પહોંચતાં કાર નંબર જી.જે. 39-સીબી-7937ના બંને એરબેગ ખૂલી ગયા હતા તેમજ આગળના ભાગે નુકસાન થયું હતું તેમજ કારમાં રાખેલી દારૂની અમુક બોટલો ફૂટી ગઈ હતી. આ વાહનમાંથી વ્હાઈટ લેશ વોડકા ઓરેન્જ ફ્લેવર ફોર સેલ રાજસ્થાન ઓન્લી લખેલ 180 એમ.એલ.ના 624 કવાર્ટરિયા કિંમત રૂા. 1,71,600નો દારૂ જપ્ત કરાયો હતો. ગાડી કોની છે? દારૂ કોણ? કયાંથી લાવ્યો? તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક કાર્યવાહી ગાંધીધામના ભારતનગર પછવાડે રેલવે ટ્રેક સમાંતર વિસ્તારમાં કરાઈ હતી. અહીં પાલિકાએ દબાણ હટાવી નાખ્યું છે તેના મલબાની આડમાં દારૂ વેચાતો હતો. દારૂ વેચતા રામસિંગ ઉર્ફે રામસો હોથી કોળીની અટક કરી રૂા. 9900ની નવ બોટલ જપ્ત કરાઈ હતી. તેનો ભાઈ રમેશ હોથી કોળી હાથમાં આવ્યો ન હતો. 

Panchang

dd