નવી દિલ્હી, તા. 27 : મહાયુદ્ધ
પ્રેરિત તેલ સંકટથી ઉચાટ વચ્ચે મોટો ફેંસલો લેતાં મોદી સરકારે શુક્રવારે પેટ્રોલ અને
ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટીમાં 10-10 રૂપિયાનો
ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારના નવા આદેશ બાદ પેટ્રોલ પર એક્સાઈઝ ડયૂટી ઘટીને પ્રતિલિટર
13માંથી ત્રણ રૂપિયા થઈ ગઈ છે, તો ડીઝલ પર લાગતી 10 રૂપિયા ડયૂટી પૂરી ખતમ થઈ ગઈ
છે. જો કે, સરકારનાં આ પગલાંથી પેટ્રોલ,
ડીઝલની ઘરેલુ બજારમાં કિંમતો ઘટવાની શક્યતા ઓછી છે, પરંતુ કમસેકમ કિંમત વધશે નહીં, તેવું આશ્વાસન જરૂર મળી
રહ્યું છે. દેશની તેલ કંપનીઓને આમેય પ્રતિલિટર 30 રૂપિયા સુધી નુકસાન થતો હોવાનો
દાવો કરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ક્રૂડતેલની કિંમતોમાં ઉછાળો હજુ પણ વધારે આવે તો
તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ વધારે તેવી શક્યતા હતી. આમ, સરકારે આજે બન્ને મહત્ત્વના ઈંધણ પર એક્સાઈઝ
ડયૂટી ઘટાડવાનું પગલું ભરીને પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. અમેરિકા-ઈરાન વચ્ચે
યુદ્ધનાં કારણે ઊર્જા સંકટની અસરથી દેશના નાગરિકોને બચાવવાની દિશામાં આ મોદી સરકારનું
મોટું પગલું મનાય છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ નિર્ણયનો તર્ક
સમજાવતાં કહ્યું હતું કે, સરકાર પાસે માત્ર બે વિકલ્પ હતા. એક
તો ઈંધણના ભાવમાં વધારો થવા દેવો કે પછી નાગરિકોને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાના મારથી
બચાવવા માટે નાણાકીય બોજ સરકારે વેઠવો. પુરીએ `એક્સ'
ઉપર એક ટ્વિટમાં લખ્યું હતું
કે, છેલ્લા એક માસમાં ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ 70 ડોલર પ્રતિબેરલથી વધીને 122 ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી
ગયા હતા, જેના હિસાબે દુનિયાભરમાં ઈંધણના ભાવમાં 20થી પ0 ટકા સુધીના વધારા થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની
સરકારની પ્રતિબદ્ધતા દોહરાવીને નાગરિકોનાં હિતોની રક્ષા માટે જાતે જ નાણાકીય નુકસાન
ઉઠાવવાનો સાહસિક નિર્ણય કર્યો છે. મંત્રીએ આગળ કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવોનાં કારણે ઓઈલ કંપનીઓને
પેટ્રોલ ઉપર 24 રૂપિયા અને
ડીઝલ ઉપર 30 રૂપિયાની ખોટ આવી રહી હતી.
હવે ટેક્સમાં આ ઘટાડાથી કંપનીઓને પોતાની ખોટ ઓછી કરવામાં મદદ મળી શકશે. નાણા મંત્રાલય
તરફથી જારી આદેશ અનુસાર પેટ્રોલ ઉપર આબકારી વેરો 13 રૂપિયાથી ઘટાડીને ત્રણ રૂપિયા અને ડીઝલ ઉપર 10 રૂપિયાથી ઘટાડીને શૂન્ય કરી
નાખવામાં આવ્યો છે. જો કે, સરકારના આ
નિર્ણય ઉપર પણ રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે,
માત્ર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને એક્સાઈઝમાં આ ઘટાડો
કરવામાં આવ્યો છે. આ રાહત વાસ્તવિક નથી બલ્કે આસામ, કેરળ,
તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને નજરમાં રાખીને જનતાને ગુમરાહ
કરવાની કોશિશ છે. છેલ્લાં 12 વર્ષોમાં જ્યારે ઓઈલની કિંમત ગગડતી હતી, ત્યારે સરકારે જનતાને કોઈ લાભ આપ્યો નહોતો.