• શનિવાર, 28 માર્ચ, 2026

ઉપદેશ અને આદેશ કેવળ ઉપનિષદો જ આપી શકે

મહેશ સોની દ્વારા : માધાપર, તા. 27 : ઉપદેશ અને આદેશ કેવળ ઉપનિષદો જ આપી શકે છે, સંતો-મહંતો અને કથાકારો આ માટેનું માધ્યમ બનતા હોય છે, તેવું માધાપરની માનસ મુકુરાષ્ટક કથાના સાતમા દિવસે પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું. કચ્છની મહિમાવંત ભૂમિ પર  સ્વાન્ત: સુખાયની નેમ સાથે આયોજિત નવ દિવસીય રામકથાને આગળ ધપાવતાં પૂ. બાપુએ કથામાં ઉપસ્થિત શ્રોતાઓને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી. મોરારિબાપુએ માતૃભાષાનું મહાત્મ્ય વર્ણવતાં કહ્યું કે, માતૃભાષામાં જેવી મીઠાશ અને આત્મીય ભાવ હોય છે એ બીજી કોઇ ભાષામાં જોવા મળતો નથી. પૂ. બાપુએ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભલે ભણાવો તેનો કોઇ વિરોધ નથી, પણ ઘરમાં તો દરેકે માતૃભાષામાં જ વાત કરવી જોઇએ તેવું સૌ ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું. મોરારિબાપુએ પોતાની લાક્ષણિક અદામાં શાયરાના અંદાજમાં અનેક દૃષ્ટાંતો સાથે કથામૃતને આગળ ધપાવતાં વહેમ-અંધશ્રદ્ધાથી દૂર રહેવાની શીખ આપી હતી. હરિનામના જાપ પર વિશ્વાસ રાખો તેવું કહી કારણ વગર બોલવાનું ટાળવા પણ કહ્યું હતું. `ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં' આ ગીત મોરારિબાપુએ ભાવાત્મક શૈલીમાં ગાઇ શ્રોતાઓને ભક્તિરસમાં તલ્લીન કરી મૂક્યા હતા. - પ્રભુ પર અટલ વિશ્વાસ રાખો : મોરારિબાપુએ માનસ મુકુરાકષ્ટ કથામાં પ્રભુ પર અટલ વિશ્વાસ રાખવાનું જણાવી અખંડ આકાશનો વિશ્વાસ કેળવવાનો ઉપબોધ આપ્યો હતો. ધ્રુવ તારો જેમ આકાશમાં અટલ બનીને ચમકે છે તેમ કહી વ્યક્તિ પ્રભુમય ત્યારે જ બની શકશે જ્યારે પ્રભુ પર તેનો અટલ વિશ્વાસ હશે. 27 નક્ષત્રમાં એકમાત્ર ધ્રુવ અડગ છે. પૂ. બાપુએ જેના વિચારમાં ધર્મ ટપકે છે તેનું સ્મરણ કરવા કહ્યું હતું. - વેદ એ પરમાત્માને પામવાની સીડી : વેદ એ પરમાત્માને પામવાની સીડી છે, તેવું કહેતાં પૂ. બાપુએ વેદનું સ્મરણ કરવા કથાશ્રાવકોને આહ્વાન કર્યું હતું. વેદ અને ધર્મ થકી જ સનાતન ધર્મ અડગ રહ્યો છે તેમ કહેતાં દેવત્વને જાગૃત કરે તેવા ગુરુનું આચરણ કરવાથી મનરૂપી દર્પણ કદી મેલું થતું નથી તેવું કહ્યું હતું. - માધાપરનો ભક્તિમહિમા વિશેષ : અંતરમનને નિર્મળ રાખવાનું કહેતાં પૂ. મોરારિબાપુએ અંતરમનના અરીસામાં જેને પ્રભુ દેખાય તે જ સાચી વ્યક્તિ છે તેવું જણાવતાં માધાપરમાં શ્રીરામ નામનો મહિમા નદીરૂપે વહે છે તેમ કહી માધાપર ગામના ભક્તિમહિમાને વિશેષ ગણાવ્યો હતો. રામકથા શ્રદ્ધા અને વિશ્વાસનો સેતુ બાંધી પ્રભુ સાથે જોડવાનું કામ કરે છે તેમ કહી રામનામનો મહિમા વર્ણવ્યો હતો. - જગતને આરામ આપે તેનું નામ રામ : જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે ક્રિષ્ન કહો કે રામની સૂરમયી રજૂઆત કરી પૂ. બાપુએ જગતને આરામ આપે તેનું નામ રામ તેવું કહી રામનામના સ્મરણથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે તેમ જણાવી રામનામ ગાનનો મહિમા વર્ણવ્યો હતો. રામચરિત્ર છે એટલે જ ગવાય છે તેમ કહી વિવિધ પ્રસંગો-દૃષ્ટાંતોને ટાંકી કથામંડપને રામમય કરી નાખ્યો હતો. મોરારિબાપુએ વિભીષણનું ઉદાહરણ આપી કહ્યું કે, તે સોનાંની લંકા મૂકીને શ્રીરામના શરણે આવ્યા હતા. જે સુખ-સંપત્તિ મૂકી રામના શરણે આવે તેમને રામ ચોક્કસથી મળે છે તેમ જણાવ્યું હતું. - કથા યજ્ઞમાં અખબારોની પણ આહુતિ : પૂ. બાપુએ માધાપરની આ કથાના સવિસ્તૃત અહેવાલને પ્રસિદ્ધ કરતાં કચ્છમિત્ર સહિતના અખબારોની આહુતિને આશીર્વાદ પાઠવી અખબારો આવાં કાર્યો થકી ખરા અર્થમાં સમાજના હિતેચ્છુ બનતા હોવાનું કહી પોતાના સાધુવાદ પાઠવ્યા હતા. કથાશ્રવણ કરવા માટે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઇ ભીમાભાઇ હુંબલ, માધાપર નવાવાસના પૂર્વ સરપંચ પ્રેમિલા અરજણ ભુડિયા, નવદુર્ગા નવરાત્રિ મંડળના સવિતાબેન સંજય ભુડિયા, પાટ હનુમાન મંદિરના પ્રમુખ પ્રવીણ ખોખાણી, લાલજી કેશરા દબાસિયા, સાધ્વી જયશ્રી માતાજી, શિવરામ સાહેબ, ભજનિક જયદેવ ગુંસાઇ, નરેન્દ્ર પ્રજાપતિ, કાનજી સેજપાલ હાજર રહ્યા હતા. કથાના મનોરથી પરિવાર ધીરેશભાઇ દબાસિયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રવીણભાઇ તન્ના, યોગેશભાઇ વેલજીભાઇ ગજ્જર, ભાવેશભાઇ ઠક્કર, હિતેશભાઇ સોની, તુલસીબેન સુજાન, સુરેશ પરમાર, મોહનભાઇ ધારશી, વિનેશ સાધુ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. 

Panchang

dd