ભુજ, તા. 4 : `કચ્છ જલધારા સેવા સંઘ' અને `ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા, કચ્છ યુનિવર્સિટી'ના સંયુક્ત
ઉપક્રમે કચ્છી આષાઢી બીજ નિમિત્તે પર્યાવરણ રક્ષા માટે પ્રેરણારૂપ કાર્ય કરનારા કર્મયોગીઓનું
`જળ પર્યાવરણ રક્ષા' એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ
પટેલે એવોર્ડની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જળ-પર્યાવરણ
રક્ષકોનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. નેત્રાના કરસનભાઈ રંગાણી દ્વારા 29 તળાવ બનાવવા બદલ તથા આ કાર્યમાં
આર્થિક સહયોગી ધનજીભાઈ દ્વારા રામપરમાં વનવિભાગના સહયોગથી ઓક્સિજન પાર્ક- 13000 જેટલા વૃક્ષોરોપણના કાર્યને
બિરદાવી લોકોને પ્રેરણા લેવા અપીલ કરાઈ હતી. બે લાખ 79 હજાર જેટલા વૃક્ષોરોપણનું કાર્ય
તેમજ જલસંગ્રહ શક્તિમાં વધારો કરવા કચ્છ જલધારા સંઘને 30 લાખ જેટલું દાન અપાયું હતું.
ઉચ્ચ શિક્ષણ માટે બે વાહનોની આવશ્યક્તા જણાતાં કચ્છ જલધારા સેવા સંઘના દાતા મહાલક્ષ્મી
ગ્રુપના હીરાભાઈ ધોળુ અને પી. પી. પટેલ દ્વારા નવાં વાહનો આપવાની જાહેરાત કરાઈ હતી.
મુખ્ય અતિથિ વેલજીભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે,
50 ફૂટને બદલે 600 ફૂટથી સિંચાઈ કરતાં પાણીની
ઘટ સર્જાવાની સ્થિતિ બાબતે કેશુભાઈ તથા મુખ્યમંત્રી તથા મોદીજીને વીજકાપનો પ્રસ્તાવ
મૂક્યો હતો, જે સ્વીકૃત થતાં કચ્છની
ખેતીનો ટર્નિંગ પોઈન્ટ હોવાનું જણાવ્યું હતું. ટ્રસ્ટી કેશવભાઈ ઠાકરાણીએ સિંચાઈ ખાતાના
નિવૃત્ત ઈન્જિનીયરોએ પ્લાન મુજબ દાતઓની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી હતી. માત્ર આઠ
માસ કચ્છમાં સિંચાઈ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનીયર તરીકે સેવા બજાવી નિવૃત્ત
થતાં જે. કે. વૈદ્યની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી. ટ્રસ્ટી મનસુખભાઈ પારસિયાએ સંસ્થાની
કામગીરી તથા ભાવિ આયોજનો વિશે માહિતી આપી એવોર્ડનું વાંચન કર્યું હતું. ટ્રસ્ટી પ્રભુલાલ માકાણીએ બોર રિચાર્જ કામગીરીની
માહિતી આપી હતી. સદ્ભાવના ટ્રસ્ટ, જીએમડીસી, મહાલક્ષ્મી પી.સી. પટેલ જેવા દાતાઓના સહયોગથી 6152 જેટલાં વૃક્ષોના વાવેતરની જાણકારી
અપાઈ હતી. મોહનભાઈ પારસિયા, ચંદ્રકાન્તભાઈ,
પ્રેમદાસભાઈ, બિપિનભાઈ રામાણી, ગોવિંદભાઈ પાટીદાર તથા કચ્છ યુનિવર્સિટીના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન
પંકજભાઈ ઠાકર તથા આભારવિધિ અનિલભાઈ ગોરે કરી હતી.