કોઠારા (તા. અબડાસા), તા. 4 : અહીં જિલ્લા
પંચાયત સંચાલિત પશુ દવાખાનું છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં હોવાની ફરિયાદ સહ સત્વરે ડોક્ટરની સવલત મળે
તેવી માંગ કરાઇ હતી.કોઠારા ઉપરાંત આસપાસના 50 જેટલાં ગામ લાગુ પડે છે જેમાં અંદાજિત પાંચ હજાર જેટલા પશુધન
છે. જો કોઇ પશુની સારવારની જરૂર પડે છે, નાછૂટકે ખાનગી ડોક્ટરને બોલાવી સારવાર કરવાની ફરજ પડતી હોવાનું જણાવ્યું હતું.
નિરીક્ષણ સમયે દવાખાનાનું મુખ્ય પ્રવેશદ્વાર જ ન હોવાનું જણાયું હતું. અંદરના રૂમોમાં
દવાઓ અને રૂમના દરવાજા ખુલ્લા પડેલા જોવા મળ્યા હતા. આખા સંકુલમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા
હતા. કોઇ ડોક્ટર છે કે નહીં એ અંગે ગ્રામજનોને કશી માહિતી ન હતી. પશુ દવાખાનું માત્ર
કાગળ પર જ હાલે છે કે શું તેવા લોકપ્રશ્નો સાંભળવા મળ્યા હતા. પશુધનની સારવાર બાબતે
પડતી મુશ્કેલીઓને પગલે વારંવાર રજૂઆતો કરાઇ હોવા છતાં કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હોવાની
ફરિયાદો કરાઇ હતી અને સત્વરે ડોક્ટરની સવલત મળે તેવી માંગ અહીંના ચંદુભા સોઢા દ્વારા
કરાઇ હોવાનું જણાવાયું હતું.