• શનિવાર, 05 જુલાઈ, 2025

કંડલા સેઝના ગોદામમાં મુંબઈ ડી.આર.આઈ.ની તપાસ જારી

ગાંધીધામ, તા. 4 : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના ગોદામમાં મુંબઈ ડી.આર.આઈ ની ટુકડી દ્વારા મિસ ડિકલેરેશનના મામલે શરૂ કરાયેલી તપાસ આજે મોડી સાંજ સુધી પણ જારી રહી હતી. આ કાર્યવાહી દરમિયાન આયાત કરાયેલા બોક્સની નિર્ધારિત સંખ્યા કરતા અમુક બોક્સ હજુ સુધી મળ્યા ન હોવાથી તે દિશામાં તપાસ ચાલુ હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ડી.આર.આઈ મુંબઈની ટીમ બાતમીના આધારે કંડલા સેઝના  ગોદામમા તપાસ શરૂ કરી હતી. મળતી વિગતો મુજબ ચાઇના થી આયાત કાર પેઢી દ્વારા જન્મદિવસની સજાવટ ની વસ્તુઓ દર્શાવી હતી. કન્ટેનરમાં આવેલો તમામ માલ કંડલા સેઝમાં ઉતારવામાં આવ્યો  હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટલા બોક્સ દર્શાવાયા હતા  તેના કરતાં ગણા બોક્સ ઓછા જણાયા  હતા. જે બોક્સ હતા તેની તપાસ કરતા ચાઈનીઝ પ્રતિબંધિત ફટાકડા નીકળી પડ્યા હતા.પ્રતિબંધિત વસ્તુ આયાત કરતા કસ્ટમના કાયદાઓ મુજબ કાર્યવાહી કરાશે. દરમ્યાન વધુમાં મળતી વિગતો મુજબ મુંબઈ ડી. આર. આઇની ટુકડી દ્વારા ચાઈના થી આયાત  થયેલું વધુ એક કન્ટેનર અટકાવવામાં આવ્યું છે. જોકે તેની તપાસ હજુ બાકી છે તેમાંથી શું નીકળે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. દરમિયાન આજે મોડી સાંજ સુધી કંડલા સેઝ ના ગોદામ ખાતે તપાસ ચાલુ હોવાથી વધુ કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. પ્રતિબંધિત વસ્તુની આયાત થઈ હોવાનું બહાર આવતા ચકચાર પ્રસરી છે. આ પ્રકરણમાં વધુ ચોંકાવનારી વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા જાણકરો વ્યક્ત કરી રહ્યા છે. 

Panchang

dd