• શનિવાર, 05 જુલાઈ, 2025

ઘરાણામાં મંદિરનાં તાળાં તોડી ચોરીથી ચકચાર

ગાંધીધામ, તા. 4 : ભચાઉના તાલુકાના ઘરાણા ગામમાં આવેલાં જ્યોતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મંદિર અને રૂમનાં તાળાં તોડી નિશાચરોએ રૂા. 21,000ના આભૂષણો, રોકડ રકમની ચોરી કરી હતી. ઘરાણા ગામની સીમમાં નાની જીવાસરી તળાવની બાજુમાં આવેલાં જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં નિશાચરોએ હાથ માર્યો હતો. સવાર-સાંજ આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સેવા-પૂજા કરવામાં આવે છે. ગત તા. 1-7ના સવારે ફરિયાદી એવા હરેશ ધના જોસરફાળ અને લક્ષ્મણ હરિ પટેલ મંદિરે સેવા-પૂજા કરવા ગયા હતા. દરમ્યાન ત્યાં મંદિરની દક્ષિણ બાજુની દીવાલના દરવાજાનાં તાળાં, મંદિરનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં. બાદમાં નરસંગગિરિ બાપુની ધૂણાવાળી જગ્યાના પણ તાળાં તૂટેલાં હતાં. ધૂણાની બાજુમાં રાખેલા લોખંડના કબાટનું પણ તાળું નિશાચરોએ તોડી નાખ્યું હતું અને સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. અહીંથી નરસંગગિરિ બાપુની ઝોલીમાં રાખેલી કાર નંબર જીજે-12-બીઆર-8151ની આર.સી. બૂક, આધાર કાર્ડ, રોકડ રૂા. 4000 તેમજ ભેટ સોગાદમાં આવેલા 250 ગ્રામનું ચાંદીનું નાળિયેર, 200 ગ્રામની ચાંદીની ગદા એમ કુલ રૂા. 21,000ની મતાનો હાથ માર્યો હતો. આ તસ્કરોએ સાધુ સંતોના અન્ય રૂમના પણ તાળાં તોડયાં હતાં, પરંતુ તેમાંથી તેમને ખાલી હાથે પરત જવું પડયું હતું. ગત તા. 30-6થી 1-7ની રાત્રિ દરમ્યાન બનેલા આ બનાવ અંગે ગઇકાલે રાત્રે પોલીસ ચોપડે ગુનો દર્જ થતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. મંદિરમાંથી ચોરીના આ બનાવને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. 

Panchang

dd