• શનિવાર, 05 જુલાઈ, 2025

વરસાદની આગાહીને પગલે ભુજ સુધરાઇની સેનિટેશન શાખા સજ્જ

ભુજ, તા. 4 : આગામી ભારે વરસાદની આગાહીને પગલે ભુજ સુધરાઇએ સજ્જ બનવા સાથે આગોતરું આયોજન હાથ ધર્યું હતું અને સંબંધિત શાખા-કર્મચારીઓને સાધનો સાથે તૈયાર રહેવા સૂચના અપાઇ હતી. ભુજ સુધરાઇ ખાતે આજે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા સેનિટેશન શાખા ચેરમેન અનિલ છત્રાળાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આગામી ભારે વરસાદની આગાહીને લઇ ભુજમાં પાણી ભરાવા સહિતની સર્જાતી સમસ્યા હલ કરવા સેનિટેશન શાખાના કર્મીઓને તૈનાત રહેવા જણાવાયું હતું. બેઠકમાં ખાસ કરીને ચોમાસા દરમ્યાન ભુજના હમીરસર તળાવમાં નવાં નીર આવતાં હોય છે તેની સાથે કચરો પણ મોટા પ્રમાણમાં તળાવમાં એકત્ર થતો હોય છે ત્યારે એક કર્મીને ખાસ હમીરસર તળાવના તમામ કિનારા સ્વચ્છ રહે તે માટેની જવાબદારી સોંપાઇ હતી. ઉપરાંત મુખ્ય રસ્તા પર વરસાદનાં પાણી સાથે રેતી આવી જતાં વાહનો સ્લીપ થવાના બનાવો બનતા હોય છે જે અટકાવવા મુખ્ય માર્ગો પર યોગ્ય સફાઇની તકેદારી રાખવા તમામ વોર્ડના વોર્ડમેનને સૂચના અપાઇ હતી. માર્ગો પર ભૂવા પડવાના પણ બનાવ બનતા હોય છે જેથી જાહેર મુખ્ય તેમજ આંતરિક માર્ગો પર ભૂવા પડે તો ત્વરિત મરંમત કરવા, તત્કાળ જરૂરિયાત માટે 50 બોરી રેતીની તૈયાર રાખવી, બે ભોખારના ટેન્કર, બે મડ પંપ અને બે ડિબેટર સેટ તૈયાર રાખવા સહિતનું આયોજન હાથ ધરાયું હતું. બેઠકમાં સેનિટેશન શાખા ઇજનેર મિલન ગંધા તથા સ્ટાફ હાજર રહ્યો હતો. 

Panchang

dd