ભુજ, તા. 2 : શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ શાળાના પરિવહન વાહનોમાં વિદ્યાર્થીઓની
સંખ્યા અને સલામતીનો મુદ્દો જાગ્યો છે તેવામાં શાળા ખુલ્યાના પાંચ સપ્તાહ બાદ પ્રાદેશિક
વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) દ્વારા આજે કડક તપાસ આદરી ત્રણ બસ સહિત શાળા પરિવહનમાં
જોડાયેલાં ચાર વાહનને ડિટેઈન કરતાં સંબંધિતોમાં ફફડાટ સાથે દોડધામ મચી હોવાનું જાણવા
મળ્યું હતું. આરટીઓની તપાસ દરમ્યાન 12 મેમા પણ ફટકારવામાં આવ્યા હતા. શાળા વાહનોની તપાસ આગામી દિવસો
દરમ્યાન પણ જારી રહેશે એમ તંત્રાધિકારીએ જણાવ્યું હતું. શાળાઓ ખૂલતાં છકડા-વેન અને
વિવિધ શાળાઓની દોડતી બસોમાં વિદ્યાર્થીઓની સલામતી અંગેનાં ધોરણો મામલે ફરિયાદો ઊઠવાનું
પણ શરૂ થયું હતું. ગયા વખતની આરટીઓની કામગીરી બાદ મોટાભાગની શાળાઓની બસોમાં સલામતી
ધોરણો શરૂ થયાં હતાં, પરંતુ છકડા
અને વેનમાં બાળકોની સંખ્યા આડેધડ ભરાતી હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. દરમ્યાન,
આજે આરટીઓ ઈન્સ્પેક્ટરોની ટુકડીએ નગરના વિવિધ માર્ગો પર તપાસ આદરતાં
માર્ગ સલામતીના નિયમોના ભંગ સહિતના મામલા નજરે પડયા હતા. મળતી સત્તાવાર વિગત મુજબ સમગ્ર
કાર્યવાહી દરમ્યાન શાળાની ત્રણ બસ અને શાળા પરિવહનમાં વપરાશમાં લેવાતાં મેક્સી પ્રકારના
વાહનને ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. આ સિવાય ફિટનેસના ચાર, પરમિટના
બે, લાયસન્સના બે મળીને કુલ 12 મેમા પણ ફટકારવામાં આવ્યા હતા.
દરમ્યાન, આરટીઓ શ્રી વાઘેલાએ વિદ્યાર્થીઓના પરિવહન સાથે
જોડાયેલાં વાહનો અને શાળાની બસોની તપાસ આગામી સમયમાં પણ જારી રહેશે તેમ જણાવ્યું હતું.