ગાંધીધામ, તા. 2 : ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરો
અને ગ્રામીણ વિસ્તારમાં સફાઈ, ગટર અને
વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. મહાનગરપાલિકા બની ત્યારપછી તંત્ર પ્રયાસરત છે,
પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. જે હેતુ માટે વર્ષોથી રૂપિયા ખર્ચાય
છે તે હજુ સુધી તો સાર્થક થયો નથી, પરંતુ હવે સફાઈના મામલામાં
તંત્રની સક્રિયતા જોવા મળી છે. વહીવટી તંત્ર દ્વારા એક વર્ષમાં મહાનગરપાલિકાના પૂર્વ
અને પશ્ચિમ ઝોનમાં સફાઈ પાછળ 17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા
હાથ ધરાઈ હતી, જેમાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ
નીવડ્યો હતો. પછી બીજી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા અને તેમાં ત્રણ એજન્સીઓ આવી હતી,
તે પૈકી મહેસાણાની એ.બી. એન્ટરપ્રાઇઝને પૂર્વ ઝોનમાં ગાંધીધામ,
ગળપાદર અને કિડાણા, પશ્ચિમ ઝોનમાં આદિપુર,
શિણાય, અંતરજાળ, મેઘપર કુંભારડી
અને મેઘપર બોરીચીમાં સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એક વર્ષમાં સફાઈ પાછળ 17 કરોડથી વધુનો ખર્ચ કરવામાં
આવશે. આંતરિક તેમજ મુખ્ય વિસ્તારોમાં સફાઈ કરીને કચરાના ઢગ ઉપાડીને ડીસી -પાંચની પાછળના
ભાગે આવેલા એમ.આર.એફ. પ્લાન્ટમાં તેનો નિકાલ કરવાનો રહેશે. હાલના સમયમાં ટેન્ડર પ્રક્રિયા
પૂર્ણ કરીને એજન્સીને વર્કઓર્ડર આપવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સમયમાં એજન્સી દ્વારા રૂટ બનાવવા, કેટલા શ્રમજીવીઓ રાખવામાં આવશે, કેટલા વાહનો રખાશે તે સહિતનું આખું આયોજન બનાવીને તંત્રને આપવામાં આવશે,
ત્યાર પછી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું સંબંધિત વિભાગના જવાબદારોએ
કહ્યું હતું. નગરપાલિકા સમયથી દર મહિને સફાઈ
પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં અત્યાર
સુધીમાં ધાર્યું પરિણામ મળ્યું નથી. જે હેતુ માટે રૂપિયા ખર્ચાયા તે સાર્થક થયો નથી,
તો બીજીતરફ ગંદગી ફેલાયેલી રહે
છે પરંતુ હવે કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યો છે ત્યારે આંતરિક વિસ્તારો
સ્વચ્છ થશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. - દસ દિવસ વિભાગ
દ્વારા કામગીરી કરાશે : સફાઈનો ઠેકો
આપવામાં આવ્યો છે તે એજન્સીને વર્કઓર્ડર આપવા સહિતની પ્રક્રિયાઓમાં 10 દિવસનો સમય લાગી શકે છે, તો બીજી તરફ અગાઉ જેને કામગીરી સોંપાઈ હતી તે
હવે બંધ કરાઇ હોવાનું બહાર આવી રહ્યું છે, જેનાં પગલે એજન્સી
કામગીરી શરૂ કરે ત્યાં સુધી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ડિપાર્ટમેન્ટ સફાઈની
કામગીરી કરવામાં આવશે તેવું સૂત્રો કહી રહ્યા છે. હાલના સમયે વિભાગ દ્વારા ફરિયાદોના
નિકાલ ઉપર ભાર મુકાય છે અને આગામી દિવસોમાં તુરંત કામગીરી થાય તે દિશામાં ધ્યાન અપાય
તે જરૂરી છે. - મજદૂર સંઘની કમિશનરને રજૂઆત : મનપાએ સફાઈનો
કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી અન્ય એક કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી હતી. હવે તેની કામગીરી
પણ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે તેમાં કામ કરતા 135 સફાઈ કામદારોનો રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. અખિલ ભારતીય સફાઈ
મજદૂર સંઘ દ્વારા કમિશનરને પત્ર લખીને આ સફાઈ કર્મચારીઓને પુન: કામ ઉપર લેવા અથવા તો
જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેમાં તેમનો સમાવેશ કરવા સહિતની બાબતોને લઈને રજૂઆત
કરવામાં આવી છે.