શિમલા/ભુવનેશ્વર, તા. 2 : હિમાચલ
પ્રદેશમાં વાદળો ફાટવાના શ્રેણીબદ્ધ બનાવ તથા ઓડિશામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. મંગળવારે
હિમાચલમાં 11 જગ્યાએ વાદળ
ફાટયા હતા. જેમાં 10 જેટલા લોકોના
મૃત્યુ થયા છે અને 30 જેટલા લાપત્તા
છે. વિવિધ બનાવમાં રાજ્યમાં ર0 જૂનથી 1 જુલાઈ સુધીમાં પ4 લોકોના મૃત્યુ થયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફએ
યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરુ કરી છે. રાજયમાં હજુ ચાર દિવસ અનેક જગ્યાએ
ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. અન્ય
બનાવમાં ઓડિશાના કેઓંઝર જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલન થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા
હતા. 3ના મૃત્યુ થયાનું જાહેર કરાયુ છે. ભારે
વરસાદ બાદ જોડા થાણા ક્ષેત્રમાં બિચાકુંડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતુ. બનાવ સ્થળ
નજીક ખાણમાં ખનન ચાલી રહ્યું હતું ત્યારે ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું હતુ. 30 જૂનથી 1 જૂલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશમાં કુદરતે
કહેર મચાવ્યો હતો. મંડી જિલ્લાના ગોહર, કરસોગ, થુનાગ અને ધર્મપુરમાં 7 જગ્યાએ વાદળ ફાટયા હતા. જેને પગલે અનેક
મકાનો ધરાશાયી થયા હતા. વાદળો ફાટયા બાદ આવેલા
ભીષણ પૂરથી જાનમાલનું ભારે નુકસાન થયું છે. ચુલાથાજમાં તબાહીના તાંડવમાં દેવનારના અનેક
વૃક્ષ તૂટી પડી તણાઈ ગયા હતા. હિમાચલમાં છેલ્લા ર4 કલાકમાં ભારે વરસાદ પડયો છે. મુખ્યમંત્રી સુકખૂએ આ કુદરતી હોનારતમાં
પ00 કરોડના નુકસાનનો પ્રાથમિક અંદાજ
દર્શાવ્યો છે. મંડી સહિત અનેક જિલ્લામાં હજુ ભારે વરસાદનું એલર્ટ છે. મંડીમાં ભારે
વરસાદથી પંડોહ ડેમમાં જળ સપાટી ખતરાના નિશાન સુધી પહોંચી છે. બ્યાસ નદીમાં પૂર આવ્યું
છે. ર0ર3ની જળ હોનારતની યાદ અપાવતાં સર્વત્ર પાણી ફરી વળ્યા છે. શહેરનું
પ્રાચીન પંચવકત્ર શિવ મંદિર પાણીમાં ગરક થયું છે. મંડીના ગોહરમાં બચાવો.. બચાવો..ના
સાદ વચ્ચે 9 લોકો પૂરમાં તણાઈ ગયા હતા. અનેક પરિવાર
ઘરની છત ઉપર રહી રેસ્કયૂ માટે મદદ માગતાં રહ્યા હતા. રાજયના ઈમરજન્સી સંચાલન કેન્દ્ર
અનુસાર ભારે વરસાદને કારણે રાજ્યમાં 406 રસ્તા બંધ છે. જેમાં ર48 માત્ર મંડી જિલ્લામાં છે. 994 ટ્રાન્સફોર્મર અસરગ્રસ્ત છે. દેશભરમાં ચોમાસું જોરમાં આવ્યા
બાદ અનેક રાજ્યમાં ભારે વરસાદ, પૂર અને
વાદળો ફાટયાના બનાવ બન્યા છે. ઓડિશાના બાલાસોર, મયૂરભંજ અને જાજપુરમાં પૂર પ્રકોપ સર્જાયો છે. બાલાસોરની 46 પંચાયતો પાણીમાં ડૂબી છે. ર900થી વધુ લોકોને રાહત શિબિરોમાં
ખસેડવા પડયા છે.