નવી દિલ્હી, તા. 2 : ચાલુ નાણાકીય
વર્ષની શરૂઆતમાં જ સરકારે આવક કરમાં વિવિધ સ્તરે છૂટ આપ્યા બાદ હવે મધ્યમ વર્ગને રાહત
આપવા ટૂથપેસ્ટ, વાસણ, કપડાં, જૂતા સહિતના આમ આદમીના ઉપયોગની વસ્તુઓ પર જીએસટી
12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી
છે અને ચાલુ માસના અંતે યોજાનારી જીએસટી કાઉન્સીલની 56મી બેઠકમાં પ્રસ્તાવ રજૂ થઈ શકે છે તેવા
હેવાલ મળી રહ્યા છે. જો આ બદલાવ લાગુ થશે તો સરકાર પર રૂા. 50 હજાર કરોડનું ભારણ વધશે. એક
મીડિયા હેવાલ મુજબ, આ બેઠકમાં
સરકાર 12 ટકા જીએસટીનું સ્તર ખતમ કરવા
કે 12 ટકાવાળા ઉત્પાદનોને પાંચ ટકાના
સ્તરમાં સમાવી શકે છે, જેમાં મધ્યમ
વર્ગ અને ઓછી આવકવાળા વર્ગની રોજિંદી વપરાશની વસ્તુઓને આવરી શકાય. જો આ પ્રસ્તાવને
મંજૂરી મળશે, તો માંગમાં વધારો થશે. કેન્દ્ર સરકારનું માનવું
છે કે, કિંમત ઓછી થતાં વધુ વેચાણ થશે, જેનાથી
ટેક્સની આવક વધશે અને લાંબાગાળાના જીએસટી કલેક્શનમાં પણ વૃદ્ધિ થશે. નાણામંત્રી નિર્મલા સીતારામને આ બદલાવની સંભાવના
અગાઉ વ્યક્ત કરી હતી. આ બેઠકમાં બદલાવના પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્ર સરકારના દબાણ
છતાં રાજ્ય સરકારો વચ્ચે સહમતી સધાઈ નથી. જીએસટીની બેઠકમાં દરેક રાજ્યને મત આપવાનો
અધિકાર હોય છે. વર્તમાનમાં પંજાબ, કેરળ, એમપી અને બંગાળ તરફથી જીએસટી સ્તરમાં ઘટાડો કરવા અંગે વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો
છે. તેથી આગામી સમયમાં શું થાય છે તે જોવું
રહ્યું.સરકારનું અનુમાન છે કે જીએસટીના દર ઘટવાથી માગમાં વધારો થશે અને તેનાથી આગામી
વર્ષોમાં રાજસ્વમાં વૃદ્ધિ થશે. આ વૃદ્ધિથી આર્થિક ભારની ભરપાઈ થઈ શકશે. નાણામંત્રી
નિર્મલા સીતારમણે એક ઈન્ટરવ્યૂમાં જીએસટી દરોને ઘટાડવાની દિશામાં સરકાર કામ કરી રહી
હોવાનો સંકેત આપ્યો હતો.