• ગુરુવાર, 03 જુલાઈ, 2025

મુંબઈમાં ચાલતો ધમધોકાર ધંધો છોડી કચ્છમાં જંગલમાં બનાવી વાડી !

કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 2 : મુંબઈમાં 40-40 વર્ષ બે દુકાનમાં ધમધોકાર વેપાર ચાલતો હતો એ છોડીને કચ્છમાં નવેસરથી ખેતીમાં ઝંપલાવ્યું અને બે દાયકામાં બાગાયત ખેતી એટલી વિકસાવી કે ફળફળાદિ વિદેશ નિકાસ થાય છે ! - 34 એકરના જંગલમાં મંગલમય વાતાવરણ : સફળ વેપારીમાંથી અત્યંત સફળ ખેડૂત બનેલા આ સાહસિકનું નામ છે વસંતભાઈ વોરા. મુંદરા તાલુકાનું નવીનાળ ગામ તેમનું વતન. પોતાનાં ગામમાં જ 34 એકરમાં બાગાયત ખેતી જાતમહેનત કરીને વિકસાવી છે. એમની વિશાળ વાડીમાં ખારેકના એક હજાર ઝાડ છે. ચાર હજાર ઝાડ દાડમના છે. આ સિવાય ચીકુ, પેરુ, સંતરા, લીંબુ, ખાટી - મીઠી આંબલી, ધોળા જાંબુ, કાળા જાંબુ અને નાળિયેરીના ઝાડ છે. - તળાવડી છલકાય, બોર રિચાર્જ થાય ! : વસંતભાઈ વોરાએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે, મારા દાદા ખેતી કરતા. મારા પિતા દામજી રવજીએ વાડી બનાવી હતી. વિલેપાર્લે-પૂર્વમાં મારી અનાજની બે દુકાન હતી. 40 વર્ષ ધંધો કર્યો, પણ મને ખેતી કરવાનો શોખ હતો એટલે 2015માં નવીનાળમાં 34 એકર જમીન લીધી, જ્યાં જંગલ હતું. આ ભૂમિને ખેતીલાયક કરી. ફળ-ઝાડો વાવવાનું શરૂ કર્યું. બે બોર બનાવ્યા. બાજુમાં 150 ફૂટ પહોળી અને 100 ફૂટ ઊંડી ખેત તળાવડી કરી. આ ખેત તળાવડી એવી જગ્યાએ કરી છે જ્યાં વરસાદનું પાણી આવે છે. ખેત તળાવડી છલકાય ત્યારે તેનું પાણી બોરમાં જાય છે એટલે બોર રિચાર્જ થાય છે. હમણા ખારેકનું કટિંગ ચાલુ છે. 50 ટન માલ ઊતરશે. વસંતભાઈએ કહ્યું કે, ખારેક અને દાડમની પેદાશ દરવર્ષે વધતી જાય છે. આ વખતે 80 ટન દાડમ થશે. દાડમના જથ્થાબંધ વેપારીઓ અહીં આવે છે અને રોકડાં નાણાં ચૂકવીને દાડમ લઈ જાય. ગયાં વર્ષે દાડમ દુબઈ પહોંચ્યા હતા. ખારેક આખા દેશમાં વેચાય છે. - બંને પુત્રનો સહયોગ : એમણે કહ્યું કે, મારા પત્નીનું 30 વર્ષ પહેલાં અવસાન થયું હતું એટલે અહીં એકલો છું, પણ મારા બે દીકરા ભાવેશ અને પંકજનો મને ઘણો સાથ-સહકાર છે. બંને ભાઈનો સાંતાક્રૂઝમાં જ્વેલરીનો શોરૂમ છે. પૌત્ર આર્યન પંકજ વોરાને ખેતીમાં રસ છે. એને રજા હોય ત્યારે મારી પાસે આવી જાય અને મદદ કરે છે. એને ખેતીમાં રસ હોવાથી બી. ફાર્મ ભણે છે. `મારૂ' ફાર્મ કચ્છમાં વિખ્યાત છે. માંડવી-મુંદરા તાલુકામાં આવી મોટાપાયે બાગાયત ખેતી કોઈની નથી. ત્રણ હજાર ફૂટમાં બંગલો બનાવ્યો છે. સ્વીમિંગ પૂલ છે. ક્રિકેટનું મેદાન પણ બનાવ્યું છે, જેથી મુંબઈથી છોકરાઓ આવે તો એમને પણ આનંદ થાય. - અકસ્માત પછી પથારીવશ હતા : વસંતભાઈએ કહ્યું, 2018માં મને અકસ્માત થયો હતો. અઢી વર્ષ પથારીવશ હતો. 250 ટાંકા આવ્યા હતા. તેમાંથી ઊભો થઈ ગયો. ટ્રેક્ટર લીધું છે. દરરોજ 10 કિલોમીટર ચાલુ છું. ટ્રેક્ટર જાતે ચલાવું છું. હું 70 વર્ષનો છું, પણ તંદુરસ્તી સારી છે.  

Panchang

dd