ભુજ, તા. 2 : રાજ્ય પર સર્જાયેલા બે અલગ-અલગ
સિસ્ટમના પ્રભાવથી આખું અઠવાડિયું વરસાદી ગતિવિધિ જારી રહે તેવા હવામાન વિભાગના વર્તારા
વચ્ચે જિલ્લામાં બે દિવસથી ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો વાવણીકાર્યમાં પરોવાયા છે. હવામાન
વિભાગે ગુરુથી શનિ કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે. જો કે, સોમવારે આષાઢી બીજ સાથે વરસેલા મેઘરાજાએ બે
દિવસથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વિરામ રાખ્યો છે. પવનની ગતિ મંદ પડવા સાથે ઊકળાટ
વધતાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા
છે. આજે દિવસ દરમ્યાન જિલ્લામાં વાદળો અને તડકાની સંતાકુકડી જોવા મળી હતી. કેટલાંક
સ્થળે ઝરમર છાંટાને બાદ કરતાં ક્યાંય પણ વરસાદની હાજરી જોવા મળી નહોતી. જિલ્લામાં જ્યાં
વાવણીલાયક મેઘ મહેર થઇ છે, એવા વિસ્તારમાં ખેડૂતો વાવણીના કાર્યમાં
પ્રવૃત્ત બન્યા છે, જ્યાં ભારે વરસાદ પડયો ત્યાં ખેતરો જળમગ્ન
હોતાં ત્યાં વાવણીકાર્ય આરંભી શકાયું નથી. નખત્રાણાના પ્રતિનિધિ છગનભાઇ ઠક્કરના અહેવાલ
અનુસાર નખત્રાણા તાલુકામાં અષાઢ માસના આરંભ સાથે આર્દ્રા નક્ષત્રમાં સુકનવંતો વરસાદ
પડયા બાદ બે દિવસથી વરાપ નીકળતાં ધરતીપુત્રો પોતાના વાડી-ખેતર, ઠામોમાં સમયસરની મેઘકૃપાથી વાવણીકાર્યમાં વ્યસ્ત થયા છે. લક્ષ્મીપર (નેત્રા)
જે વિસ્તારમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. ખેડૂત વિશ્રામભાઇ પાયરે
વિગત આપતાં જણાવ્યું હતું કે, વરાપ નીકળતાં ખેડૂતો કપીત ઠામોમાં
ગુવાર, મગ, એરંડા સહિતના રામમોલ ઉગાડવા
માટે પૂરજોશમાં વાવણીકામમાં લોગી ગયા છે. નખત્રાણા તાલુકા કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઇ
કેશરાણી તથા સ્થાનિક સંગઠન મંડળના પ્રમુખ જગદીશભાઇ કેશરાણીએ તાલુકામાં સમયસર સચરાચરો
વરસાદ વરસતાં ખેત પેદાશના વાવેતર સારા પ્રમાણમાં થશે તેવો આશાવાદ દેખાડયો છે.