• ગુરુવાર, 03 જુલાઈ, 2025

દિલ્હીના સીએમ આવાસ પર ઘમસાણ

નવી દિલ્હી, તા. 2 : દિલ્હી સરકારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નવા સરકારી નિવાસસ્થાનનું 60 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ મામલે દિલ્હીમાં રાજકીય ઘમસાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીએ આ અંગે આકરા પ્રહારો કરતાં સીએમ રેખા ગુપ્તા તેમના `માયામહેલ' પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, તો ભાજપે જવાબ આપતાં કહ્યું હતું કે, આ વૈભવી ખર્ચ નથી, પણ જવાબદાર પદ માટે જરૂરી સુવિધા છે. એક મીડિયા હેવાલ મુજબ,ં આમ આદમી પાર્ટી (આપ)એ બંગલાના આ ખર્ચ અંગે સરકાર પર આકરા પ્રહારો કરતાં સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, સીએમ રેખા ગુપ્તા તેમના `માયામહલ' પર કરોડો ખર્ચ કરી રહ્યા છે. દિલ્હીના લોકો વીજળી, પાણી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો  સામનો કરી રહ્યા છે, લોકો નોકરીઓ અને ઘરો બચાવવા માટે લડી રહ્યા છે, ત્યારે સરકાર લોકોના પૈસા ઝુમ્મર, એસી અને ટીવી પર વેડફી રહી છે.  આપના વિરોધનો જવાબ આપતાં ભાજપના નેતા મનાજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે, આ ખર્ચ કોઈ વૈભવી નથી, પરંતુ જવાબદાર પદ માટે જરૂરી સુવિધા છે. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે રૂમમાં લગાવેલા એસીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, આ રૂમમાં આઠ એસી પણ છે, તેથી આ મુખ્યમંત્રીનું ઘર છે. અપ્રમાણિક લોકોએ પોતાના શાસનનો જવાબ પોતે જ આપવો જોઈએ. પીડબ્લ્યુડી દ્વારા જારી કરાયેલા ટેન્ડર અનુસાર, જુલાઈના પહેલા અઠવાડિયાથી શરૂ થતા નવીનીકરણના પ્રથમ તબક્કામાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમને અપગ્રેડ કરાશે, જેમાં 80 લાઇટ અને પંખા, 24 બે-ટન ક્ષમતાવાળા એર કન્ડીશનરની સ્થાપનાનો સમાવેશ થાય છે, જેનો અંદાજિત 11 લાખથી વધુ ખર્ચ થશે, 23 છત પંખા અને 16 દીવાલ પંખા લગાવાશે. આ ઉપરાંત, બંગલામાં 115 લાઇટ અને ત્રણ મોટા ઝુમ્મરનો સમાવેશ થાય છે, જેનો કુલ ખર્ચ 60.3 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.  આ સાથે 5ાંચ ટીવી પણ લગાવાશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસને શીશમહેલ ગણાવવા સાથે ભ્રષ્ટાચારનું પ્રતીક કહ્યું હતું અને તેમાં રહેવાની પણ ના કહી હતી, જે પછી નવા રહેઠાણનું નવીનીકરણ હાથ ધરાયું છે. 

Panchang

dd